પૃષ્ઠ:Shobhana.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬: શોભના
 

કે કેમ એ જુદી વાત છે; પરંતુ પુરુષોના ભણતરની સાથે વર્તનનું ઘડતર ચંપલને પાત્ર છે એવો અભિપ્રાય તો ઘણી વિદ્યાર્થિનીઓ ધરાવે છે. સહુને બહાર નીકળવા દઈ શોભના છેલ્લી બહાર આવી.

બારણાં પાસે દસબાર યુવકો લટાર મારી રહ્યા હતા. સ્ત્રીઓને નિહાળવાની સૃજનનજૂની પુરુષઘેલછા બ્રહ્મચર્યાશ્રમમાં પણ ભભૂકવા લાગે છે. કોઈએ તીરછી આંખે, કોઈએ સીધી નજરે, કોઈએ હસીને કોઈએ સહજ ટટાર બનીને નીકળતી વિદ્યાર્થિનીઓ તરફ નજર નાખી.

પગથિયા પાસે એક ચમકતી મોટરકાર ઊભી હતી. મહત્તાની ભાવના સાથે જડાઈ અનેક યુવકયુવતીઓને ચંચલ બનાવતી આ કહેવાતી જડ ગાડીની પાછળ હિંદની રસિકતાનો ઇતિહાસ પણ રચાતો જાય છે. ગાડીમાંથી એક યુવક છટા અને સ્વચ્છતાથી બહાર નીકળી આવ્યો. એણે જ સ્ત્રીઓના સમાનહક્ક વિરુદ્ધની દલીલ કરી હતી. પહોળો પાયજામો, રેશમી પહેરણ, સફાઈદાર ચશ્માં અને વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત રાખેલા વાળથી સોહામણો દેખાતો એ યુવક જરા પણ સંકોચ વગર શોભનાની પાસે ગયો.

'મારી કાર ખાલી છે, આપને એમાં હું મૂકી આવું.' યુવકે કહ્યું.

'ના, મને ચાલવાની ટેવ છે.' શોભનાએ જવાબ આપ્યો.

'ટેવનો સવાલ નથી સગવડ છે તો બેસી જાઓ. સંધ્યાકાળ થાય છે.'

'હરકત નહિ; મારી જોડે વિની, તારિકા અને રંભા છે.'

'એ બધાંય એમાં આવી શકશે.'

“ચાલો ત્યારે, બેસી જઈએ વળી !” રમતિયાળ બાળકી જેવો અભિનય કરતી સહજ સ્થૂલ તારિકા બોલી ઊઠી, અને પગથિયાં નીચે આવતાં યુવકે ગાડીનું બારણું ખોલી અંદર બેસવાનું લાલિત્યમય મૂક આમંત્રણ ચારે સાહેલીઓને આપ્યું.

લટાર મારતા યુવકોનાં ટોળાંએ મોટેથી હસવા માંડ્યું “બેસો. બેસો." "હરકત નહિં." "હું સાથે આવું?" વગેરે ઉચ્ચારો પણ વર્તમાન શિષ્ટતાને શોભાવતા સંભળાવા લાગ્યા. હાસ્ય હઠીલાઈ ઉત્પન્ન કરે છે. આવા આકસ્મિક આમંત્રણથી કદી પણ કારમાં ન બેસે એવી ગર્વિષ્ઠ શોભનાને પણ યુવકોના હાસ્યનો જવાબ આપવા કારમાં બેસવાની દૃઢ ઈચ્છા થઈ. ચીડવીને સુધારવાની રીત નિષ્ફળ નીવડી છે, પરંતુ