પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮: શોભના
 


પરાશરે એક જ ધ્યેય સ્વીકાર્યું હતું : હિંદને સ્વતંત્ર બનાવવું. એ ધ્યેયની સિદ્ધિ અર્થે એમણે અભ્યાસ આગળ ન વધાર્યો. એ અર્થે તેણે સરકારી નોકરી ન સ્વીકારી; એ અર્થે તેણે પોતાનું સાધનસંપન્ન ઘર-કુટુંબ ત્યજી દીધાં. ચારપાંચ વર્ષ ઉપર તેને વિલાયત મોકલવાની સઘળી તૈયારી થઈ હતી. વિલાયત જઈ તે સિવિલ સર્વિસમાં જોડાય એવી તેના પિતાની તીવ્ર ઈચ્છા હતી. પરાશરને વિલાયત જવાનું તો બહુ જ મન હતું. ત્યાંના આગેવાનોને મળાય. મજૂરવર્ગના કાર્યક્રમનો અભ્યાસ થાય, સમાજવાદી અને સામ્યવાદી સાહિત્યકારો અને વિચારકો પાસેથી પ્રેરણા મેળવાય, રશિયા જઈ ક્રાંતિને સગી આંખે નિહાળી શકાય, એવાં એવાં સ્વપ્ન તેને આવતાં હતાં. બ્રિટનના શાહીવાદી લોખંડી યંત્રના વિભાગ બનાવાનું તો તે કબૂલ રાખે એમ હતું જ નહિ, પરંતુ તેના પિતા તેના ઉદ્દામ વિચારોને પોષવા માટે વિલાયત મોકલવાનું કબૂલ કરે એ અશક્ય હતું. તેના પિતા તો મહાસભાથી પણ ભડકતા રહેતા, એટલે પરાશરના વાચન અને મનને ઘડેલું તેનું માનસ પિતા આગળ પ્રગટ થયું ન હતું. વળી વિલાયત મોકલતા પહેલાં યુવકોને પરણાવી જ દેવા જોઈએ એવી માન્યતાવાળા પરાશરનાં પિતાએ તેના વિવાહ ને લગન નક્કી કરી દીધાં. વિલાયત જવાના ઉત્સાહમાં તેણે લગ્નને બહુ મહત્ત્વ આપ્યું નહિ. અલબત્ત લગ્નમાં પોતાની પસંદગી હોવી જોઈએ એમ માનતા પરાશરે પ્રથમ તો લગ્નનો વિરોધ કર્યો, પરંતુ તેના પિતાનો કડક આગ્રહ. એમાં વિજયી નીવડ્યો અને કન્યાને દૂરથી જોતાં - તેની છબી નિહાળતાં, તેનાં અભ્યાસની વિગત જાણતાં પરાશરનો અણગમો ઓગળી ગયો. સુખ - આર્થિક સુખ અને અભ્યાસના સંસ્કાર તેને પણ રસિકતા તરફ દોરી રહ્યા હતા. તેને સ્ત્રી જોઈતી હતી, અને સ્ત્રી મેળવવાનો સહેલામાં સહેલો અને સુયોગ્ય રસ્તો લગ્ન હોવાથી તેણે લગ્નનો જબરજસ્ત વિરોધ ન કર્યો. તેણે પોતાનું લગ્ન થવા દીધું - પરંતુ અત્યંત ચૂપકીથી. તેને ઊંડી ઊંડી આશા પણ હતી કે તેની પત્ની સંસ્કારસમૃદ્ધ હશે તો તેના કાર્યને વધારે સારી રીતે સમજશે.