પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લગ્ન થતાં બરોબર તેને વિલાયત જવાનું હતું. તેની પત્નીને તેણે પ્રેમપત્ર લખ્યો. ધારેલા દિવસે પત્નીનો ઉત્તર મળ્યો નહિ. ધાર્યું ન થાય, અને તે જીવનના ઊર્મિવિભાગમાં તો યૌવનમાં પ્રવેશતા યુવકને કેટલો અણગમો થાય, કેટલી અસ્થિરતા થાય એ યુવાનો જ જાણી શકે.

તે દિવસે તેની નિદ્રા ચાલી ગઈ. ઉજાગરાથી વ્યગ્ર બનેલા પરાશરે રાતમાં એક બાળનોકરને ઉઠાડી ચા બનાવવા આજ્ઞા કરી. સુખી સામ્યવાદી યુવકો બાળનોકરીને આજ્ઞા કરતાં પાછું જોતા નથી. એમની દયા વર્ગ પ્રત્યે હોય છે, વ્યક્તિ પ્રત્યે નહિ. આ બાળનોકરને ભણતરના વિચાર કરવાના ન હતા, તેને હજી પ્રેમમાં પડવાની વાર હતી. આરામ જેવી કોઈ ભાવના, જીવનમાં હોય કે નહિ તેનો ખ્યાલ નોકરના માલિકો તેને ક્ષણભર પણ આવવા દેતા ન હતા. ઘરનાં બાળક, યુવક અને વૃદ્ધ સ્ત્રીપુરુષોની નાની મોટી આજ્ઞાપરંપરા પ્રમાણે નાચતું આ બાલપૂતળું હુકમ, ધમકી, ગાળ અને ક્વચિત્ મારનાં મોજામાં તરતું, ડૂબકાં ખાતું જમીનદારી ગૃહસાગરમાં વહ્યે જતું હતું.

રાતના અગિયાર વાગ્યે સૂતેલા બાળકને પ્રેમની નિરાશા અનુભવતા સંસ્કારી સામ્યવાદી યુવક પરાશરે રાતના એક વાગ્યે જગાડ્યું;

‘સોમલા ! એ સોમલા !’

સોમો - અગર નોકર પ્રત્યેની ઉદાર અને ‘આત્મીય’ વાણી વડે ઓળખાતો સોમલો - ઊભો થઈ ગયો. તેણે આંખો ચોળી અને સહજ અરબડિયું ખાધું.

‘જરા ચા બનાવી લાવ.’ પરાશરે કહ્યું.

"હા જી."

‘કીટલીમાં, હોં.’

‘વારુ સાહેબ !’

કહી સોમો ગુલાંટ ખાઈ પાછો એના કોથળા ઉપર પડ્યો. મહાસભાવાદીઓ અને સામ્યવાદીઓ હજી પોતાના નોકરોને કોથળા સિવાયની પથારી આપવાની જરૂર જોતા નથી કારણ કે કિસાનો, મજદૂરો