પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૪૧
 


પરાશર આવીને આરામખુરશી ઉપર બેઠો. એક ઊંચી જાતની સિગારેટ સળગાવી તેણે પીવા માંડી, અને લગ્નમાં ન મળતી સગવડ અલગ્ન અવસ્થામાં ભોગવી શકાય કે નહિ તે વિષે બર્ટાંડ રસેલના વિચારો અને પ્રયોગોનું તેણે મનન કરવા માંડ્યું.

આછી ચીસ સાંભળતાં તે સહજ હાલી ઊઠ્યો; પરંતુ એ ચીસ કદાચ બુઝાતા સ્ટવની પણ હોય ! કે પછી સુંદર સુંદર વાસનાઓથી પ્રફુલ્લ બનેલા હૃદયે બળતાં પાડેલી અંગારમય આહ પણ હોય !

ટ્રૅ, કીટલી, પ્યાલા, રકાબી, ગરણી લેઈ સોમો પરાશરની ઓરડીમાં આવ્યો. એક હાથ અને બીજા હાથની કોણીના ટેકા વડે ટીપોંઈ ઉપર ચાનો સામાન મૂકતા સોમાના હાથ અને મુખ તરફ પરાશરે જોયું.

‘સોમા ! શું થયું હાથે ?’ પરાશરે પૂછ્યું.

‘કાંઈ નહિ, સાહેબ !’ કહ્યા છતાં સોમાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

‘અલ્યા. દાઝ્યો ?' પરાશર ઊભો થઈ ગયો. ખરેખર સોમાનો હાથ બળી ગયો હતો. સોમાએ જવાબ ન આપ્યો. તેનાં અશ્રુ હજી ખળાયાં ન હતાં.

‘લાવ, હું કાંઈ દવા લગાડું.' પરાશરે કહ્યું

‘ના, સાહેબ ! એ તો...મટી...જાશે.' ડૂસકાં ખાતાં સોમાએ કહ્યું.

'પણ દાઝ્યો શાથી ?’

‘સાહેબ ! જરા ઝોકું આવ્યું... અને... હાથ ઉપર... ગરમ પાણી પડ્યું.'

પરાશરની આંખ સહજ વિસ્તૃત થઈ. રાતના એકબે વાગ્યે નાનકડા નોકરને જગાડી ચા બનાવવાની આજ્ઞા આપતી માલિકોની જુલમજહાંગીરીનું એક ભયાનક પરિણામ તેણે નજરે નિહાળ્યું. કર્મની સંભાવનામાં કોનું કર્મ ? બિચારા નોકરનું કે સુખઆરામ માગતા પાપી માલિકનું ? અને પરિણામ ભોગવ્યું કોણે ? બચપણથી ઢોર સરખું જીવન ગાળી રહેલા સોમાએ !

અને આપણે કહીએ છીએ કે હવે જગતમાંથી ગુલામગીરી અદૃશ્ય થઈ ગઈ !

પરાશરના હૃદયમાં વિચારઊર્મિ ઊંચકાઈ આવી. પરાશરે ચાને બાજુએ રાખી સોમાના હાથ ઉપર ઊંચામાં ઊંચી ક્રીમ લગાડી, આવડતો હતો તેવો પાટો બાંધ્યો, અને રડતા સોમાને છાનો રાખવાના બોલ