પૃષ્ઠ:Shobhana.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૭
 

વિદ્યાર્થીઓ ચીડવીને સુધરવા-સુધારવા ક્યાં માગતા હતા ? તેમને પણ યુવતીઓની સોબત જોઈતી હતી. મશ્કરી કરવા છતાં યુવતીનો સંગ મળી જાય તો તેમને ગમે એમ હતું.

'આપનો આભાર માનું છું. આપના આમંત્રણનો લાભ લઈએ જ.' શોભનાએ જવાબ આપી પોતાની સહિયરોને અંદર બેસાડી.

'આપ આગળ બેસો; હું ચલાવીશ.' કહી યુવકે શોભનાને કારની આગલી બેઠક પર બેસાડી. કારનો હાંકનારો બારી પાસે ઊભો હતો તે ખસી ગયો. તેને યુવકે કહ્યું:

'તું પાછળ આવ; હું ગાડી લઈ જાઉં છું.'

સફાઈપૂર્વક શોભનાની સાથે બેસી યુવકે ગાડીનું સુકાન હાથમાં લીધું. ગાડીમાં જીવ આવ્યો દેખાયો.

એકાએક કોઈ વિચિત્ર ખાદીધારી યુવક ગાડી પાસે આવી શોભનાને જોતો ત્યાંથી પસાર થયો દેખાયો.

શોભના એ યુવકને જોઈ રહી. સહેજ આશ્ચર્ય તેની આંખમાં રમી રહ્યું. કારના માલિકે ગાડી આગળ ધપાવી. તેણે પેલા ખાદીધારીને જોયો નહોતો.

'કોણ હતો એ બબૂચક ?' તારિકાએ પૂછ્યું.

'કોની વાત છે ?' રંભાએ પૂછ્યું.

'પેલો આમ ગયો તેની.'

'આવા કૈક ફરે છે, ગમારો !'

શોભના કાંઈ બોલી નહિ. કાર આગળ વધી કૉલેજના વંડાની બહાર નીકળી. સૂચક તાળીઓ અને ઉદ્ગારો વચ્ચે થઈ તે પસાર થઈ.

યુવકયુવતીના આ જગતમાં ઉત્સાહ, ઉન્માદ, અશિષ્ટતા, અદેખાઈ, અછકલાપણું અને અતંત્રતા ચારે પાસ દેખાયા કરતાં હતાં. એ વંટોળિયા વચ્ચે થઈ ઝડપથી આગળ વધતી ગાડીમાં એ જ યુવકયુવતીનો એક વિભાગ અત્યંત નિયંત્રણપૂર્વક આગળ વધતો હતો. જ્વાલામુખીના ટુકડાઓ વ્યવસ્થિત અને નિયમનભર્યા વાહનને જ વશ વર્તતા હતા.

અગર પછી નિયમન માગતા વાહનને જ એક જવાળામુખી દોરતો હતો ?