પૃષ્ઠ:Shobhana.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬: શોભના
 

છોડવાનો છું.’

‘મારી સાથે વાત કરવી બંધ રાખ, અને આમ કહેવું હોય તો તારું મોં બતાવીશ નહિ.’

‘ઠીક.' કહી પરાશર ત્યાંથી ઊઠી ગયો, અને પિતાને તેણે પોતાનું મુખ બતાવ્યું નહિ. ઘર છોડી તે ગામડાંમાં ભટક્યો. ગામડિયાઓને તેની બે વાતમાં સમજ ન પડી. તેણે ગામડાંને પૂછ્યું :

‘તમે જમીનદારો સામે, શાહુકારો સામે અને સરકાર સામે બંડ ઉઠાવશો ?’

‘બંડ ? ના રે, ભાઈ ! અમે શા માટે બંડ ઉઠાવીએ ?’ ગામડિયાઓનો જવાબ મળતો.

‘જમીનદાર, શાહુકાર અને સરકાર તમારું શોષણ કરે છે, ખરું કે નહિ ?'

‘એ તો જેમ ચાલતું આવ્યું હોય તેમ ચાલે.’

‘તમારી ફરજ છે કે તમારે બંડ ઉઠાવવું જોઈએ.’

ડોકું ધુણાવી ગામડિયાઓ ચાલ્યા જતા.

તેણે ફરીને ભાષણો કરવાને બદલે એક ગામડે થાણું નાખ્યું. શંકાની નજરથી ચારે પાસ ઘેરાયેલા પરાશરે મહાસભાવાદી વ્યૂહરચનાનો આશ્રય લીધો; અને ખાદી ધારણ કરી ધર્મ અને ઈશ્વરનો વિરોધ હોવા છતાં શિવાલયની ધર્મશાળામાં શિક્ષણ, કવાયત અને પ્રાર્થના જેવા લાગતા સમૂહસંગીતનો કાર્યક્રમ શરૂ કર્યો. સૂતેલા હિંદને જગાડવાની યોજનામાં એક માણસ એથી વધારે શું કરી શકે ?

મહાસભાની છાપવાળો કાર્યકતા ન હોય તો મહાસભાવાદી કાર્યકર્તાઓ પણ તેના તરફ સભ્યતાભરી ઉપેક્ષા અગર નમસ્કારસંપુટમાં સંતાડેલો તિરસ્કાર બતાવી શકે છે. પરાશર ગાંધીવાદી નહોતો. અહિંસા અને હૃદયપલટામાં તેને શ્રદ્ધા ન હતી; કાંતવા પીંજવાની ક્રિયા તેને નિરુપયોગી લાગતી. એ કાર્યક્રમ બલહીન, ક્રાંતિ ઉપજાવામાં અસમર્થ અને લડાયક માનસને બદલે રોતાં ભગતડાં ઉત્પન્ન કરનાર ધર્મપંથ સરખો તેન લાગ્યા કરતો હતો. એટલે તેની વાતમાં, તેના શિક્ષણમાં અને તેનાં ભજનોમાં જુદી જ ઢબ હતી.

ગામડિયાઓને તો બધી જ નવીનતા ગમતી; પરંતુ પરાશરનું વર્ચસ્વ એ વિસ્તારમાં જાણે એટલામાં તેણે પોતાના સામ્યવાદી મિત્રોને ગામડે ગામડે કામ કરવા આમંત્રણ આપ્યું. મિત્રો એકલા પુરુષો ન હતા,