પૃષ્ઠ:Shobhana.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગામડિયાઓ વધારે નીતિવાન હોય છે એમ નહિ, પરંતુ જાતીય સંબંધની પ્રયોગશીલતા અજમાવવા જેટલું છૂટાપણું તેમની સમજમાં ઊતરે એવું ન હતું, પરાશર અને તેનો આશ્રમ - તેનું થાણું - નીતિના પ્રશ્ન ઉપર ગામડાંને નિરર્થક લાગ્યાં.

ગામડિયાઓને બંડ કરવું ન હતું; તેમની જુનવાણી સમાજરચના ભાંગવી ન હતી. પરાશર શહેરના વધારે કેળવાયેલા વાતાવરણમાં ગયો. કારખાનાંના મજૂરો શહેરસંર્પકને લીધે વધારે સમજવાળા, વધારે સંગઠિત અને વધારે ઉદાર બની શકે એવો તેને ભાસ થયો. તેણે એક મિલની પાસે આવેલી ચાલીમાં જગા લીધી, અને ત્યાં રહી મજૂરોમાં જાગૃતિ લાવવા માંડી. મિલમાલિક એક સ્વદેશીની છાપ પામેલી મહાસભાએ સ્વીકારેલી કંપનીના વડા કાર્યકતા હતા. નિયમ વિરુદ્ધ સમય ઉપરાંત માણસો પાસે કામ લેવાનો ઝઘડો પરાશરના ગયા પછી એકબે વાર ઊભો થયો; બાળમજૂરોને કામ આપવા વિષે પણ ફરિયાદો ઊભી થઈ, મુકાદમોના જુલમ વિરુદ્ધ એક હડતાલ પણ પડી, અને સમાજવાદી યુવાન કાર્યકરોની ત્યાં અવરજવર વધી. પૈસા મળ્યે રાજાઓ ફૂટે છે, પ્રધાનો ફૂટે છે, રાજવિષ્ટિકારો ફૂટે છે. ગરીબ હડતાલિયાઓના આગેવાનોને બાવીસના પચીસ રૂપિયા કરી આપતાં તેઓ હડતાલને વિખેરી નાખે એમાં શી નવાઈ? પરાશરે પડાવેલી હડતાલ શમી ગઈ એટલું જ નહિ, પણ તેને એ ચાલીમાંથી નીકળી જવા માટે સૂચના મળી.

પરાશરે એક ચાલી છોડી બીજી ચાલીમાં રહેવા માંડ્યું. છૂપાં મંડળો અને ખુલ્લાં મંડળો તેણે સ્થાપવા માંડ્યાં હતાં, તે મંડળોને હાથ કરવા મથન કર્યું. અને જોકે ગુપ્ત પત્રિકાઓ તે બહાર પાડતો, છતાં ગુજરાનને માટે તેણે એક મહાસભાવાદી પત્ર સાથે સંબંધ બાંધ્યો.

આ સર્વ કઠણ તપશ્ચર્યામાં તેને સ્ત્રી જાતિ સતાવ્યા કરતી હતી. પરાશરને સ્ત્રી ગમતી, જોકે સદાય યુવતીવર્ગની સામે નીચી આંખ કરીને જ એ રહેતો. એને સ્ત્રીકંઠ સાંભળવો ગમતો, જોકે એ બનતાં સુધી ગરબા અને નૃત્યના કાર્યક્રમોથી વેગળો જ રહેતો. ઘણી વખત યોજનાઓ ઘડતાં ઘડતાં એ સ્ત્રીઓના રૂપને કલ્પનામાં ઘડી કાઢતો અને અત્યંત થાકમાં પણ ઘણી વાર કોઈ યુવતીની આંખ, કોઈ યુવતીના હોઠ, કોઈ યુવતીનો