પૃષ્ઠ:Shobhana.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૪૯
 

કેશકલાપ કે કોઈ યુવતીની ચાલનાં સ્મરણોમાં ઊતરી પડતો. સ્ત્રીઓની સાથે કામ કરવાનો પ્રસંગ આવતાં તે રાજી થતો, અને સ્વપ્નમાં કદી કદી પોતાને યુવતીઓ સાથે ચર્ચા કરતો નિહાળતો. એ સર્વમાં તેને તેની પત્ની - થોડા જ સમય માટે નિહાળેલી પત્ની વારંવાર યાદ આવ્યા કરતી હતી. સ્ત્રી એ તેની માનસસૃષ્ટિમાં મહત્ત્વનું અને મૂંઝવતું તત્ત્વ બન્યે જતી હતી, અને જેમ જેમ એ મૂંઝવણથી દૂર થવા મથતો તેમ તેમ એને સ્ત્રીનાં વધારે વધારે સ્વપ્ન આવ્યે જતાં. પછી એ દિવાસવપ્ન પણ હોય અને નિશાસ્વપ્ન પણ હોય.

કઠણાશ તરફ, સાદાઈ તરફ, પરિશ્રમ તરફ સતત વહ્યા જતા પરાશરને આ એક સ્ત્રીતત્ત્વ સુંવાળાશ, કુમળાશ, લાલિત્ય સાથે બાંધી રાખતું. અને તેને એથી ભયંકર મૂંઝવણ થતી હતી. છતાં તે હજી સુધી માનસ બ્રહ્મચર્ય સાચવી શક્યો ન હતો.

પરાશર ખાસ બ્રહ્મચર્યનો હિમાયતી પણ ન હતો. સ્ત્રીસંબંધમાં પાપ માની બેસવા જેટલો પ્રત્યાઘાતી ન હતો; પરંતુ તેને એટલું તો લાગ્યું કે સમાજસેવા-ગ્રામસેવા-દલિત સેવા કરવી હોય તો વસ્ત્રના ધોરણની માફક ચારિત્ર્યનાં ધોરણ પણ જનતાને ગમે એવાં જ રાખવાં જોઈએ. રસવૃત્તિ તરફ દોડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે એનો તેને પૂરો ખ્યાલ હતો. સંબંધસ્વાતંત્ર્યને બહાને સ્ત્રીભૂખ્યું પુરુષયૌવન નિર્બળ, નિર્માલ્ય, નિરુપયોગી, આછકલું અને પ્રત્યાઘાતી બની જાય છે. એ તેણે પોતાના અનેક મિત્રોનાં દૃષ્ટાંતોમાં જોયું હતું. પ્રેમ પ્રેમ કરતાં પ્રેમીઓ જોતજોતામાં બાલકોની ઝાંઝરમાં ઘેરાઈ નિઃસત્ત્વ, સૌંદયવિહીન બની ગયેલાં તેણે નજરે નિહાળ્યાં હતાં. તેજસ્વી વિચારો, તેજસ્વી દેહ અને તેજસ્વી ભાવિને કહેવાતા પ્રેમમાં ભસ્મ થતાં જોઈ પરાશર ભય પામતો અને સ્ત્રી એ કોઈ વિચિત્ર સુખતત્ત્વ હોવા છતાં એ તત્ત્વને સર્વસ્વ સોંપતાં તે સદાય પાછો હઠતો. ઘણી વાર તેનું મન મૂંઝવણમાં પડી જતું અને સ્ત્રી કે સ્વાતંત્ર્ય એ બેમાંથી એકનો ભોગ આપ્યે જ બીજું મળે એમ તેની માન્યતા થતી. છતાં જેમ જેમ તે પોતાના કાર્યમાં વધારે ગૂંથાતો ગયો તેમ તેમ તેને સ્ત્રીનાં વધારે આકર્ષણ થતાં ગયાં. જેમ જેમ તે સ્ત્રીથી વધારે દૂર ભાગવા લાગ્યો તેમ તેમ તેની વિચારસૃષ્ટિમાં સ્ત્રીતત્ત્વ વધારે પ્રવેશ પામતું ગયું.

કદાચ સ્ત્રીનું જ આકર્ષણ તેને શહેરમાં તો નહિ ખેંચી આવ્યું હોય ? તેની પત્નીને નિહાળવાની કદી કદી તક મળ્યા કરે એવા કોઈ છૂપા ચોરભાવે તો તેને આ માર્ગ નહિ લેવરાવ્યો હોય ? તેની પત્ની શહેરમાં જ હતી.