પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨: શોભના
 

કહેતા માનસવિજ્ઞાનીઓ છેક ખોટા તો કેમ હોય ?

‘શું હસો છો ? અને એ ન આવે તો બીજી પરણો વળી !’ રતને માર્ગ બતાવ્યો.

‘અરે, એક જ સ્ત્રી ભારે પડે ત્યાં બીજીની વાત શી ?’

‘તો. આમ ને આમ સોરાયા કરશો ક્યાં લગી ?’

‘હું સોરાતો જ નથી. મારે મારું કામ કેટલું પડ્યું છે ? એમાં સ્ત્રીનો વિચાર કરવાની પણ ફુરસદ મળતી નથી.’

‘હું માનું નહિ તો. મરદ બૈરીને એકબીજા વગર ચાલે જ નહિ.’

‘જો મારી પત્નીને મારે ત્યાં આવવું નથી. મારે બીજી સ્ત્રી સાથે પરણવું નથી. પછી શું કરવું ?’

‘તમે તો બહુ ભલાભોળા ! બિચારા !’ કહી રતને પરાશરનો હાથ ઝાલ્યો અને તેની સામે જોઈ રહી.

‘ચાલીના આછા આકાશમાં થોડા તારા ઝબકતા હતા. આકાશનો ચંદ્ર વિકારપ્રેરક હોય; પરંતુ અક્ષય તારાઓ કુમળા ક્ષણજીવી ભાવો ઉપજાવતા નથી. રતનની આંખોમાં વિકાર ન હતો, અને છતાંય પરાશરનો હસ્ત પકડી તેની સામે નિહાળી તે કોઈ અગમ્ય આવ્હાન કરતી હતી.

જેના જીવનની દયા ખાઈ, જેના જીવનને સુધારવા પરાશર અહીં આવ્યો હતો, તેના જ જીવનમાં દયાના ભંડાર શું એટલા બધા ભર્યા હતા કે દેહસહ સર્વસ્વ આપવા માટેની તૈયારીમાં હોય ? રતનના હૃદયમાં પરાશરના જીવન પ્રત્યે આ સખીભાવ - આ સદ્ભાવ એટલો બધો ક્યાંથી જાગ્યો કે પરાશરને સ્વસ્થ નિંદ્રિત જેવા તે પરાશરને દેહ પણ આપી દેતી હતી ? આ વિકાર હતો ? રતનને આ ચાલીમાં વિકાર પોષવાના ઘણાય માર્ગ હતા. દેહવેચાણ આ વર્ગમાં અજાણ્યું ન હતું. રતને દેહ વેચાતો અટકાવનારને દેહ આપવા માગણી પણ કરી હતી. અત્યારનો ભાવ જુદો જ હતો. પરાશરને સુખી જોવા સુખમય નિદ્રા ભોગવતો જોવા રતન એટલી બધી આતુર બની હતી કે જગતના નીતિમાનોથી પાપ મનાયલો પ્રયોગ કરી જોવાની પણ તેનામાં ઉદારતા ઊભરાઈ આવી હતી.

અને એ પાપ માલિકીની ભાવનાથી જ ઉદ્દભવ પામ્યું ને ?

પરાશરને રતનની ભવ્ય ઉદારતા, રતનનો તીવ્ર સ્વાર્થત્યાગ, રતનની અટપટી પ્રામાણિકતા પ્રત્યે બહુમાન ઉત્પન્ન થયું. પૂજ્યભાવ વિકારપોષક નથી. સ્ત્રીની ઝંખનામાં જાગ્રત બની રહેલા પરાશરના જ્ઞાનતંતુઓ આ ભવ્ય ઉદારતાનાં દર્શને અતિ શાંત બની ગયાં. રતનને