પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા


શોભનાએ શાળામાં પ્રવેશ કર્યો, અને વિદ્યાર્થીઓનું ગુરુપદ સ્વીકાર્યું. વિદ્યાર્થી અવસ્થામાંથી એકાએક ગુરુપદ મેળવવું એ અવનવો અનુભવ છે. શાળા અત્યંત નવીન પદ્ધતિએ ચાલતી હતી. બાળકો અને બાળકીઓને સ્વચ્છ, સુઘડ, ચબરાક તથા આનંદી રાખવાં એ આ શાળાનું મુખ્ય કર્તવ્ય હતું. જુનવાણી શિક્ષણપદ્ધતિનો અત્રે બહિષ્કાર થયેલો દેખાતો હતો. હારમોનિયમ, દિલરુબા, ખંજરી, દાંડિયા, ચિત્રો એ બધાં નવીન શિક્ષણનાં સૂચક સાધનો અહીં દેખાઈ આવતાં હતાં. શિક્ષકો અને શિક્ષિકાઓ પણ વાજિંત્ર જેવાં સ્વચ્છ, રૂપાળાં અને સુઘડ લાગતાં હતાં. ગાંધીવાદી સાદાઈમાં કલાનો ઉમેરો કરતાં વસ્ત્રો અને ઑક્ષ્ફર્ડ શૈલીને પણ આદર્શ આપે એવાં યુરોપીય ઢબનાં વસ્ત્રોનું શિક્ષક-શિક્ષિકાઓમાં સુલભ મિશ્રણ થતું લાગતું હતું.

મુખ્ય શિક્ષક, મોટા માસ્તર કે હેડમાસ્તર જેવા ઓગણીસમી સદીના પ્રચલિત નામનો તિરસ્કાર આવતાં વીસમી સદીએ એ સ્થાનના અધિકારીને ‘પ્રિન્સિપાલ' - મુખ્ય આચાર્યના નામથી વિભૂષિત કરી તેને મહત્તા આર્પી છે. શોભનાને પ્રિન્સિપાલના દીવાનખાનામાં દાખલ કરવામાં આવી. શિક્ષણનાં સાધનોના નાનકડા પ્રદર્શન સરખા દીવાનખાનામાં બિરાજેલા યુવાન દેખાવા મથતા પ્રિન્સિપાલ પણ એક સુશોભિત સાધન સરખા જ વાતાવરણમાં ભળી જતા હતા. તેઓ ફરતી ખુરશી ઉપર બેસી જરા ખુરશીને હલાવતા એક અંગ્રેજી વર્તમાનપત્ર વાંચતા હતા. શોભના સંકોચ સહ તેમની સામે ઊભી રહી. અમલદારી માત્ર ઘમંડપ્રેરક હોય છે; પછી તે સરકારી હોય કે બિનસરકારી. અને આગળ વધતી વીસમી સદીમાં સરકારી અમલદારોના પ્રતિસ્પર્ધી સરખો બિનસરકારી સંસ્થાઓના અમલદારોનો પણ એક વર્ગ ઊભો થતો જાય છે; અને ઘમંડ,