પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬: શોભના
 

બનવાનું હતું; બાળકીઓને ચકલી બનવાનું હતું; શિક્ષિકાને બંને બનવું પડતું હતું. સાહિત્યની સાથે શિક્ષણમાં પણ વાસ્તવવાદ વેગપૂર્વક પ્રવેશી ચૂક્યો છે. એટલે જોકે ખરેખરી ચકલીઓ ભેગી કરી શિક્ષણ આપવા જેટલી પ્રગતિ હજી શિક્ષણશાસ્ત્રે નથી કરી, છતાં તેમની છેક ખોટ ન જણાય એવી કાળજી તો રાખવામાં આવી જ હતી.

માનવીની ભાષામાં રચાયલા આ બાળગીતને વાસ્તવિતામાં ફેરવી નાખવા માટે દરેક કડીને છેડે 'હુપ હુપ’ અને ‘ચીં ચીં’ જેવા ઉચ્ચારણો કવિએ નક્કી કરી રાખ્યાં હતાં, અને તેના પરિણામે જે તે પ્રાણીસૂચક ઉચ્ચારણો ઉપર ભાર મૂકી બાળકો અને બાળકીઓ તાદૃશ્ય વાતાવરણો ઉપજાવી વર્ગને વૃક્ષનું સ્વરૂપ આપી દેતાં હતાં. સહુ આનંદમગ્ન હતાં. બાળકો અને શિક્ષિકા જોડે પ્રિન્સિપાલે સહુને ઉત્સાહ વધારવા - આખી સંસ્થા સાથે પોતાની એકરૂપતા દશાવવા 'હુપ હુપ’, ‘ચીં ચીં’માં પોતાનો ઓળખાઈ આવતો સૂર પૂર્યો પણ ખરો, અને ત્યાંથી ત્રીજા વર્ગમાં જતે જતે તેમણે શોભનાના મન ઉપર પ્રકાશ પાડ્યો કે :

‘પ્રાણીશાસ્ત્ર આમ સચોટ શીખવી શકાય.' શોભનાને સચોટપણાની ખાતરી થઈ, પરંતુ આખું પ્રાણીશાસ્ત્ર બાળકોને આમ જ શીખવવાનું હોય તો પોતાને ભાગે કયાં પ્રાણીઓનું શિક્ષણ ન આવે તેનો એ વિચાર કરવા લાગી.

ત્રીજા વર્ગમાં ‘સીધી શૈલી’- Direct Method દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું. વી V અને ડબલ્યુ Wના ઉચ્ચારમાં હોઠને કેટણો ગોળ કે લંબગોળ બનાવવો એવી કવાયતમાં પડેલો આખો વર્ગ દૂરથી જોનારને ચુંબનમીમાંસાના વર્ગ જેવો લાગે એમાં નવાઈ નહિ, પરંતુ શિક્ષણશાસ્ત્ર એવા ભ્રમથી ભય પામતું નથી. અને કોણે જાણ્યું કે ચુંબન પણ શિક્ષણશાસ્ત્રનો વિષય ન બની શકે ? જાતીય વિજ્ઞાન શિક્ષણને અભાવે જ અનિયમિત અંધેર બની ગયું છે !

ચોથા વર્ગમાં બાળકબાળકીઓ પોતાનું શરીર સુધારવા હાથ, પગ, અને શરીર ઊંચાંનીચાં કરી કવાયતની ઢબવાળી, જોનારને રમૂજ પડે એવી કસરત કરતાં હતાં.

પાંચમા વર્ગમાં એક નાટ્યપ્રયોગ માટે નૃત્ય, ગરબા અને સંવાદોની ગોઠવણી થતી હતી.

‘આપણી શાળા બહુ જ આગળ પડતી ગણાય છે એનું કારણ તમે સમજ્યાં ?' પ્રિન્સિપાલે શોભનાને પૂછ્યું.