પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૫૭
 


શાળા કયી રીતે આગળ પડતી ગણાઈ તેનાં કારણો શોભનાને જડ્યાં નહિ. એકે વર્ગમાં રીતસરનું ભણતર - જૂની ઢબનું Orthodox ભણતર - તેના જોવામાં આવ્યું નહિ. નવા શિક્ષણશાસ્ત્રનો શોભનાને અંગત અનુભવ ન હતો. તે જુદે જુદે સ્થળે ભણી હતી અને તેમાં આ આગળ પડતી શાળાનું મુખ્ય અંગ વાર્ષિક મેળાવડા સિવાય ભાગ્યે આગળ તરી આવતું. અહીં તો પરીક્ષા કરતાં નાટ્ય અને નાચપ્રયોગ બહુ વધારે મહત્ત્વ ભોગવતા લાગ્યા. હમણાં જ પરીક્ષાની જંજાળમાંથી છૂટી થયેલી શોભનાને પરીક્ષા પ્રત્યે ખાસ સદ્ભાવ તો ન હતો. તેણે જવાબ આપ્યો :

'હા જી.'

‘સંગીત, નૃત્ય, કવાયત અને પ્રત્યક્ષ શિક્ષણ એ અમારા સિદ્ધાન્તો છે. એથી શિક્ષક અને શિષ્ય બંનેનું કામ સરળ અને આનંદભર્યું બને છે. તમને હું શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકો આપીશ, વાંચી જજો.'

'જી.'

'અને બાળકોને હવે હલકો ખોરાક આપ્યા પછી સહુને મેદાન ઉપર લઈ જઈશું.’

બાળકોને ખોરાક ! અને પછી મેદાન ! હિંદ દેશ ગરીબ છે એમ સહુ કોઈ કહ્યા કરે છે. આ શાળામાં ભણતાં - નાચતાં - બાળક - બાળકીઓને હજી ખોરાક આપવાનો હતો ! હિંદની ગરીબીનો આછોપાતળો પડછાયો પણ આ બાળકો ઉપર પડતો ન હતો ! અહીં ભણતાં બાળકો ગરીબીને કદી પણ ઓળખશે ખરાં ? ગરીબીને ન ઓળખનાર પ્રજા ગરીબોને કામ પણ શું લાગશે ?

શોભનાને પરાશર યાદ આવ્યો, અને તેની યાદ આવતા બરોબર તેના હૃદયમાં ઊંડું દર્દ થઈ આવ્યું.

‘તમે જરા પણ ઊંચો જીવ ન રાખશો. શરૂઆતમાં બધું જ વિચિત્ર લાગે, પરંતુ તમને જોતજોતામાં બધું ફાવી જશે. અને ભાસ્કરભાઈએ તમારે માટે મને મજબૂત ભલામણ કરી છે.’ શોભનાના મનોભાવને જુદી રીતે વાંચતા પ્રિન્સિપાલે શોભનાને હિંમત આપી.

નવીનતાને ઘટે એવી છૂટ અહીં એકલા શિષ્ય શિષ્યાઓમાં જ હતી એમ નહિ. શિક્ષકો અને શિક્ષિકાઓ પણ નવીનતાને દીપાવતી સ્વતંત્રતા અનુભવતાં હતાં. ચબરાકીથી વાત કરવી, ઝટપટ હસી પડવું, ચટપટ ચાલવું, અંગને કલામય વળોટ આપવો, મુખ ઉપર ભોળપણ, અને સ્વભાવિકતાના