પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૫૯
 


‘મારે એક સ્ટેનોગ્રાફર જોઈએ. તું જો મિતાક્ષરી*[૧] શીખી લે તો...’

'તો શું?'

‘હું તને મારી સેક્રેટરી તરીકે લઈ લઉં.’

'પછી?'

'તું સતત મારી સાથે રહી શકશે.'

‘મને ન સમજાયું.’

‘પછી તને નોકરીની જરૂર રહેશે નહિ.’

‘કેમ ?'

ભાસ્કરે શોભના સામે જોયું અને એક મીઠું સ્મિત કર્યું. શોભના ભાસ્કરના સ્મિતનો અર્થ સમજી.

સ્વાવલંબન માગતી સ્ત્રીજાતિને - નોકરી, ઉદ્યોગ કે શ્રમ કરી સ્વતંત્ર જીવન માગતી સ્ત્રીજાતિને પણ આમ પુરુષો રોધતા જ રહેશે ?

પરંતુ એ રોધન છે ?

પુરુષ સ્ત્રીને ગમે છે ખરો. એ ગમતા પુરુષની કેદ અળખામણી જ થઈ પડે; પરંતુ ભાસ્કર પણ ક્યાં બંધનમાં નાખવાનું કહેતો હતો ?

વગરબંધને સ્ત્રીજીવન જિવાય નહિ ?

એક રમત કરતા બેદરકાર બાળકની બેદરકારીએ મોટરકારની ઝડપ એકાએક અટકાવી દીધી.

બાળક મુક્ત હતું, હસતું હતું, તેની લગોલગ આવી પહોંચેલી કારને એક ગમ્મત તરીકે નિહાળી દોડતું હતું. કારમાં એને કચરી નાખવાની - એને ઉથલાવીને આગળ વધ્યે જવાબની શક્તિ હતી, છતાં તે અટકી.

શોભનાએ કારને અટકાવતા નાના બાળકને બાજુએ થઈ દોડી જતું નિહાળ્યું.

બાળક પણ સ્ત્રીસ્વાતંત્ર્યને મર્યાદિત કરતું બળ નહિ ? કુદરત પણ સ્ત્રીવિરોધી ! સ્ત્રીને બાળકનો ભય ક્યાં નહિ રોંધી રાખતો હોય ?

‘શોભના !’ ભાસ્કરે કાર આગળ વધતાં કહ્યું.

'હં.'

'તેં સંતતિનિયમન વિષે કશું વાંચ્યું છે ?’

‘હા, સ્ટોપ્સ, સેંગર વગેરે જોયાં છે.’

‘હું ધારતો જ હતો; તારું વાચન વિશાળ છે.’


  1. *Short-hand