પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દસ મિનિટ થઈ, પા કલાક થયો, વીસ મિનિટ થઈ છતાં ભાસ્કર પાછો ન આવ્યો; એટલે શોભના હિંમત કરી નીચે ઊતરી, અને ભાસ્કર જે ઓરડીમાં ગયો હતો તે ઓરડી આગળ જઈ ઊભી રહી. તેણે બંધ બારણાને બેત્રણ ટકોરા માર્યા, ધીમે રહી બારણું ઊઘડ્યું અને બારણાની પાછળ પરાશરને ઊભેલો જોઈ તે ચમકી.

‘અંદર આવશો ?' પરાશરે પૂછ્યું.

'હું ભાસ્કરને જોવા આવી છું.’ શોભનાએ કહ્યું.

‘એ અહીં જ છે, આવો.' કહી પરાશરે શોભનાને ઓરડીમાં બોલાવી બારણું બંધ કર્યું.

ગરીબોનાં ઘર મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના સ્ત્રીપુરુષોને ગુંડાઓનાં, ચોરનાં, જુગારીઓનાં ઘર જેવાં લાગે છે. શોભનાને પણ પ્રવેશ રુચ્યો નહિ. આછા અંધકારમાં શોભના જોઈ શકી કે એક ગોદડી ઉપર પ્રચંડ પુરુષ સૂતો છે, અને તેની આસપાસ એક સ્ત્રી, ભાસ્કર અને ડૉક્ટર કુમાર બેઠા છે. શોભના અને પરાશર પાસે ગયાં અને જમીન ઉપર બેસી ગયાં. સ્ત્રી રડતી હતી.

સ્ત્રીને સઘળા સંજોગોમાં રડવાનું ?

સૂતેલા પુરુષે આંખ ઉઘાડી અને સ્ત્રી તરફ જોયું.

‘રડે છે ?' પુરુષે પૂછ્યું.

‘ના.’ કહી સ્ત્રીએ મુખ ફેરવી નવાં ઊભરાઈ આવતાં અશ્રુ લૂછી નાખ્યાં.

‘હું જરા બેસું ? પરાશર ! ભાસ્કરભાઈ ! તમે ક્યાંથી ?' પુરુષે પૂછ્યું.

'તું બોલીશ નહિ; ડૉક્ટર ના પાડે છે.’ પરાશરે કહ્યું.

‘હું ન બોલું ? હું નહિ બોલું તો રુંધાઈ જઈશ, ગૂંગળાઈ જઈશ. એ કારખાનાએ મને અપંગ કર્યો. એ કારખાનાએ મારી વહુને આવી હાડપિંજર બનાવી દીધી; એટલેથી ન સર્યું તે, કારખાનાના માલિકોએ મને માર મરાવ્યો. આ પરાશર હોય નહિ અને હું બચું નહિ, પણ મને અપંગને બચાવી શું કામ લીધો ?’

શોભના ચમકી, એક દિવસ ચંચળને તેણે રડતી જોઈ હતી.