પૃષ્ઠ:Shobhana.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૯
 

કહ્યું અને શોભના તરફ જોયું. પાસે થઈને બીજી કાર ચાલી જતી હતી તેની સાથે અથડાઈ જવાત એવો ભય શોભનાને લાગ્યો; તે છુપાવતી શોભનાએ પૂછ્યું :

'આપનું નામ તો ભાસ્કર ને ?'

'હા જી; મારું મકાન પણ આ આવ્યું. તમે બધાં જ પાંચ મિનિટ ઊતરી મારું ઘર જોઈ પછી જાઓ તો કેવું ?” એક સરસ બંગલાના બગીચા આગળ પ્રવેશદ્વાર પાસે ગાડી અટકાવી દઈ ભાસ્કરે પૂછ્યું.

'ઘણું મોડું થશે, બીજી કોઈ વાર આવીશું.” શોભનાએ કહ્યું,

'સર્વાનુમતે ? કે આપનામાંથી બીજું કોઈ મારી સહાયમાં આવશે ?' ભાસ્કરે અંદર જોઈ પૂછ્યું.

ત્રણે સહિયરો હસી પડી. સ્ત્રીઓ બહુ સહેલાઈથી હસી પડે છે એનો અનુભવ ભાસ્કરને થઈ ચૂક્યો હતો એમ લાગ્યું.

'હું મૌનને નહિ પણ હાસ્યને સંમતિ માનું છું. ચાલો, હવે ચા પીધા વગર હું નહિ જવા દઉં.'

એટલું કહી ભાસ્કરે ગાડી બંગલા પાસે લીધી અને બારણા પાસે પહોંચતાં તેને ઊભી રાખી.

ગાડી ઊભી રહેતાં બરોબર એક સફાઈદાર વસ્ત્રોવાળા નોકરે આવી ગાડીનાં બંને બારણાં ખોલી નાખ્યાં, અને ભાસ્કર તથા તેની નૂતન સ્ત્રીમિત્રો બહાર નીકળ્યાં. વિવેકપૂર્વક આગળ માર્ગ બતાવી ભાસ્કરે સહુને અંદર દોર્યાં, અને અત્યંત શણગારભરેલા એકબે ઓરડાઓ વટાવી બગીચા ઉપર ઝૂકતી એક ઓસરી ઉપર ગોઠવેલી ખુરશીઓ ઉપર તેણે સહુને બેસાડ્યાં.

સમાજવાદી ભાસ્કરનું મકાન એક અત્યંત ધનવાનના ઘરનો ખ્યાલ આપતું હતું. ખુરશીઓ એટલી બધી સુંવાળી અને ભરેલી હતી કે સહુને સ્વાભાવિક રીતે જ બેસવાનું મન થાય. બગીચાની લીલોતરી અને ક્યારીઓમાં ઝૂલતાં ફૂલ તરફ સહજ નજર જાય એમ હતું. ઓસરીની ભીંતે મોટા મોટા જાણીતા કલાકારોનાં ચિત્રો હતાં. મેજ ઉપર ચિત્રસંગ્રહો પડ્યા હતા અને સુશોભિત અભરાઈઓ ઉપર નવાં નક્કોર જોવાં ગમે એવાં પુસ્તકો ગોઠવાયેલાં હતાં.

'આ મારી બેઠક. દિવસ અને રાતનો ઘણો ભાગ હું અહીં જ ગાળું છું.” ભાસ્કરે કહ્યું.

'બહુ સરસ જગા છે. ગમે એવી.' રંભાએ કહ્યું.