પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨: શોભના
 

ચંચળના ભાઈને કારખાનામાં અકસ્માત થયો હતો અને તેનો એક પગ કપાઈ ગયો હતો. ભાઈને અકસ્માત થયો તેનું દુઃખ અને છતાં ભાઈ જીવતો રહ્યો એનો આનંદ ચંચળને અવ્યવસ્થિત, અનિયમિત અને વ્યગ્ર તથા જયાગૌરીના અનેક ઠપકા પ્રત્યે તેને બેદરકાર બનાવી રહ્યાં હતાં.

‘જરા શાંતિથી સૂઈ જા.' ભાસ્કરે કહ્યું.

‘એ કારખાનાને કોઈ ભાંગે, તોડે, ફોડે અને બાળી મૂકે ત્યારે મને શાંતિ વળે.'

'તે પણ થશે. તું જરા સાજો થા ને ?’ ભાસ્કરે કહ્યું. પરાશરે ભાસ્કર સામે જોયું.

‘હડતાલ પડવાની એ ચોક્કસ છે, અને મને માર્યો એમ લોકો જાણશે તો તે પળે જ હડતાલ ઉપર ઊતરી જશે. ભાસ્કરભાઈ ! થોડાં ચોપાનિયાં વહેંચાવો.'

‘જયરામ ! હવે સૂઈ જાય છે કે ઘેનની દવા આપું ?' પરાશરે ધમકાવીને કહ્યું.

‘મને તો મરવાની દવા આપો. હું અપંગ ! મારી બૈરીની આ દશા ! તેમાં હવે કારખાનામાં એને ઊભી કોણ રાખશે ? હું જીવતો રહીને શું કરીશ ? મરું તો આ બાપડી મારાથી છૂટે !’

જયરામની સ્ત્રી ઊઠીને એક ખૂણા પાસે બેઠી. તેણે મુખ ઉપર લૂગડું ઢાંક્યું, અને પતિની સ્થિતિથી હાલી ગયેલા હૃદયને એના બોલે વેગ આપી વહેવરાવ્યું. એના મુખ ઉપરનું વસ્ત્ર ભીનું બની ગયું.

‘અમે કહીએ તે પ્રમાણે તું કર્યે જા ને ? તને પૈસાની કશી જ અગવડ નહિ પડે. લે.’ કહી ભાસ્કરે એક નોટ ગોદડી નીચે દવાબી દીધી.

પૈસાદારો કહે તે પ્રમાણે ગરીબો કર્યે જાય તો જ તેમને પૈસાની અગવડ ન પડે, ખરું ? પરાશરના મનમાં પ્રશ્ન થયો. ભાસ્કરની ઉદારતા પ્રત્યે તેને ભયંકર અણગમો આવ્યો. કેટલાયે વખતથી ભાસ્કર પ્રત્યે તેને એક પ્રકારનો અભાવ આવ્યા કરતો હતો. આજે લગભગ તેને વેરવૃત્તિ થઈ આવી. કારણ ? ધનિકતાની અશક્તિ ! બુદ્ધિમાનની મોટાઈ ! સુખી માબાપના ઘરમાં જન્મ પામ્યાના અકસ્માતમાંથી ઉત્પન્ન થતી ઘમંડી ઉદારતા !

શોભના પરાશર સામે જોઈ રહી હતી, એ પરાશરે પરખ્યું.

કે પછી ભાસ્કર સામેની વેરવૃત્તિનું બીજું કશું કારણ પણ હોય ?

જયરામને એ પૈસા જોતાં સહજ શાંતિ વળી. મજૂરોમાં આગેવાન