પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘કેમ બહેન ! જઈ આવી ?’ જયાગૌરીએ પુત્રીને પૂછ્યું.

‘હા.’ શોભનાએ જવાબ આપ્યો.

'તને ફાવશે ખરું ?’

'શા માટે નહિ?'

‘એ ભણાવવાની જંજાળ, છોકરાં સમજે નહિ, અને દિવસભર જીવઉકાળો કરવાનો !' જયાગૌરીએ શિક્ષકની પરિસ્થિતિનો ખ્યાલ પોતાને હતો તેવો આપ્યો.

'ના રે, એમાં તો મજા પડે એમ લાગે છે.’

'તારા બાપને પૂછી જો; કેટલા કંટાળે છે ?’

'આવી ગયા છે ?'

‘ક્યારનાયે. જરા સૂતા છે.'

‘હવે એ થોડી રજા લે તો કેવું ?’

'કેમ?'

‘એમને આરામ મળે.'

‘આરામ તો હવે આવતે જન્મે મળે ત્યારે !’ જયાગૌરી એમ જ માનતાં કે દુનિયાનાં ચક્રો ચલાવવામાં તેમને જ રાતદિવસ રોકવામાં આવે છે. તેમની તબિયત સારી રહેતી નહિ એવી તેમની માન્યતા અમુક અંશે ખરી હતી. વિલાસી જીવનમાં જ દિનરાત રહેવાની સગવડ ભોગવનાર શરીરને ઘસારો ઝડપથી જ લાગે. જોકે એને આગળ કરવાની કોઈ સ્ત્રીપુરુષની તૈયારી હોતી નથી. દેશાભિમાની કનકપ્રસાદ રસિક પણ હતા. ક્રાંતિકારી કનકપ્રસાદ સ્ત્રીના સહચારમાં પણ ક્રાંતિનાં વમળો અનુભવી શકતા. જયાગૌરીને પણ પતિનો સતત પ્યાર જોઈતો હતો; તેમને વૈભવ પણ જોઈતો હતો. એટલે કનકપ્રસાદે વિલાસમાં અને વૈભવની ઝનૂનભરી શોધમાં પોતાનાં તન અને મનને ઘસી નાખી નિરર્થક બનાવી દીધાં હતાં. બંગાળના ભાગલા વખતનું ઊકળેલું રુધિર આજ ઠંડું પડી ગયું હતું. બાલ, પાલ અને લાલથી ઉત્તેજિત બનેલા જ્ઞાનતંતુઓ હવે ઝડપથી ઝણઝણતા ન હતા. જલિયાંવાળા બાગ વખતે સીધી રહેલી કરોડ હવે તકિયાનાં ટેકણ માગતી હતી. જૂનાં સ્મરણો અને જયાગૌરી સાથે એકાંત