પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮: શોભના
 

કદી જીવનમાં ચમકારા લાવતાં, પરંતુ કનકપ્રસાદ જગતથી હારી ગયેલા લાગતા હતા; સામે થવાનું સામર્થ્ય તેમનામાં રહ્યું ન હતું. જ્વલંત ભભૂકતી જ્યોત ઝાંખી, હાલતી, હોલાવાની રાહ જોતી બની ગઈ હતી. હિંદના સંજોગોએ આવી કેટકેટલી પ્રતિભાને ભસ્મ બનાવી હશે ? જયાગૌરી પણ પતિના સુખદુઃખ, થાક અને આરામમાં બરોબર હિસ્સો માગી મેળવી રહ્યાં હતાં.

‘હવે તો હું કમાઈશ ને !’ શોભનાએ કહ્યું.

'તું તે કેટલું કમાઈશ ? અને તને આમ કમાવા મોકલવી એ મને જરાયે ગોઠતું નથી.’

‘તો હું બીજું શું કરું ?’

જયાગૌરીએ પુત્રી સામે જોઈ નિઃશ્વાસ નાખ્યો.

‘શું છે તારા હાથમાં ?’ માતાએ પૂછ્યું.

‘ચિત્રસંગ્રહ છે.'

‘જોઉં, કોણે આપ્યો ?’

‘ભાસ્કરે.'

જયાગૌરીએ ફરી નિશ્વાસ નાખી પૂછ્યું :

‘એ પરણેલો છે કે નહિ ?’

'મેં હજી પૂછ્યું નથી.’

‘કુંવારો તો ન જ હોય.’

‘તોય શું ?' શોભનાએ કહ્યું અને તે છતાં તેને એવા જ કોઈ વાક્યના પડઘા સંભળાયા.

માતાને ચિત્ર જોવાની તક આપવા તે પોતાના ખંડમાં ચાલી ગઈ. ચંચળ આવી દેખાતી ન હતી, એટલે તેણે પોતે ચા તૈયાર કરી માતાપિતાને નોકરની ખોટ જણાવા ન દીધી. શોભનાના માનસમાં આજે ઉત્સાહ ફરકી રહ્યો હતો.

કારણ !

બહુ દિવસથી જે સ્વપ્ન તે સેવતી હતી તે આજે ખરું પડ્યું. તે ભણી રહી અને સ્વતંત્ર આજીવિકા મેળવવા શક્તિમાન બની. પુરુષોની સરખામણીમાં તે ખાસ ઊતરતી લાગી નહિ.

પરીક્ષાની જંજાળમાંથી તે છૂટી - જોકે બી. ટી. થવાની આફત માથે આવશે એમ પ્રિન્સિપાલના સહજ સૂચન ઉપરથી તેને લાગ્યું. આવવાની આફતથી આજનો આનંદ જતો કરવાની શોભનાની મરજી ન હતી.