પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૭૧
 


શોભના ચિત્રસંગ્રહને હજી અડકી શકી નહિ. તેના મુક્ત આનંદભયાં જીવનપ્રવાહને જાણે કોઈ પાળ અટકાવતી ન હોય એમ તેને લાગ્યું. શા માટે જયાગૌરીએ તેનો એક દિવસનો આનંદ પણ અસ્ખલિત રહેવા ન દીધો ?

તેણે ટાગોર, ગાંધી અને વેલેન્ટીનો સામે જોવા માંડ્યું. માર્ક્સ અને ટાગોરની દેહકલામાં છટાભર્યું ગાંભીર્ય લાવનાર તેમની શ્મશ્રુઓનું નિરીક્ષણ કર્યું. વેલેન્ટીનો કરતાં ટાગોરમુખ સૌંદર્યમાં જરા પણ ઊતરતું ન લાગ્યું. માર્ક્સની દાઢીએ માર્ક્સની પત્નીના પ્રેમમાં કશો ઘટાડો કર્યો હોય એવું કોઈ જગ્યાએ તેણે વાંચ્યું ન હતું.

તેણે નર્તકીની છબી તરફ જોયું. નર્તકીના નૃત્યમાં તેણે શું દીઠું ? પુરુષને રીઝવવાનો પ્રયત્ન, નહિ ? તેમ ન હોય તો નર્તકી નાચે શા માટે ? પોતાના જ આનંદ ખાતર નાચનારી કેટલી નર્તકીઓ હશે ?

પુરુષના હાથમાં પૈસો ! પુરુષના હાથમાં સત્તા ! સ્ત્રીએ સદાય તેની આસપાસ ગુલાંટો ખાધા કરવાની ! પાળેલું કૂતરું અને સ્ત્રી એ બેમાં કશો તફાવત હશે. ખરો ? ચિત્રસંગ્રહ પ્રત્યે માતાએ અણગમો બતાવ્યો શા માટે ? ચિત્રસંગ્રહમાં નગ્ન કે અર્ધનગ્ન સુંદરીઓના અવયવદર્શન જ હોવાં જોઈએ. એ સાચા અવયવો જોવામાં પાપ લાગે, એ સાચા અવયવો દેખાય તોય પાપ લાગે !

અને લગ્ન થયું એટલે....?

‘બહેન ! આજ તો મારે બહુ મોડું થઈ ગયું !' વિચારમાં પડેલી શોભનાને ચમકાવતી ચંચળ ઓરડીમાં આવી.

'હરકત નહિ.’ શોભનાની તૂટેલી વિચારમાળાએ યંત્ર સરખો જવાબ તેની પાસે અપાવ્યો.

‘મારો ભાઈ મરતો મરતો બચ્યો.' ચંચળે કહ્યું.

‘કોણ જયરામ ?’ શોભનાને થોડા કલાક ઉપરનો બનેલો ઈતિહાસ યાદ આવ્યો.

‘બહેન ! તમે ક્યાંથી જાણ્યું ?'

‘હું ત્યાં થઈને જ આવી.’

‘એમ ? તમે મારા ભાઈને ઓળખો છો ?'

‘ના, પણ મારા એક ઓળખીતાની સાથે હું તારા ભાઈને જોવા ગઈ હતી.'