પૃષ્ઠ:Shobhana.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: શોભના
 

'આપ કોઈ કોઈ વાર આવશો તો હું આભારી થઈશ.' ભાસ્કરે કહ્યું.

“કોઈ કોઈ જ વાર ? આ આમંત્રણ ખરું !' તારિકાએ વાંધો કાઢ્યો.

'બોલાવી જુઓ.' વિનીએ કહ્યું, ચબરાક વાતચીત આ યુગમાં માન્ય બનતી જાય છે.

'આપ રોજ આવી શકો તો મારા જેવો કોઈ ભાગ્યશાળી નહિ.'.

'કેમ ?' શોભનાએ પૂછ્યું.

'હું આપને મારા મતમાં ભેળવી શકું. મારે આખા જગતને મારા મતનું બનાવવું છે - શેમ ![૧] હજી પેલો ચા નહિ લાવ્યો ! આપણા નોકરો બહુ જ અણઘડ ! છટાથી ભાસ્કરે વીજળીનું બટન દાબી ઘંટડી વગાડી.

ધીમે પગલે પરંતુ ઉતાવળથી એક નોકર આવી ડોકું નમાવી ઊભો રહ્યો.

'હજી કેમ ચા નથી લાવ્યો ?' ભાસ્કરે ખરાબ ન લાગે એટલી ધમકીથી પૂછ્યું.

'જી, તૈયાર છે; હું લાવું.' નોકરે કહ્યું.

'તો વાર શાની ? લાવ જલદી.' એક મહારાજાને શોભે એવી અદાથી ભાસ્કરે હુકમ આપ્યો. ભાસ્કરનું સુઘડ પૌરુષ જોરદાર પણ દેખાયું. નોકર ગયો. બગીચામાં એક આકૃતિ ફરતી દેખાઈ તે તરફ સહુનું ધ્યાન ગયું.

'મારા પિતા છે; પરંતુ એ ગાંધીવાદી છે. સમાજવાદ એમના મનમાં ઊતરતો જ નથી.' ભાસ્કરે કહ્યું.

'પરંતુ ગાંધીવાદને જ કેટલાક સમાજવાદ માને છે.' શોભનાએ કહ્યું.

'વિચારનો ગૂંચવાડો, બીજું શું ! ગાંધીવાદથી દેશને કાંઈ જ ફાયદો થયો હોય એમ હું માનતો નથી.' ભાસ્કરે કહ્યું.

'ઊલટી અંઘોળ પેઠી.' વિની બોલી.

'અને એક ન્યાત વધી - ખાદીધારીઓની' તારિકાએ સંમતિ આપી.

નોકરે આવી ચાનાં પ્યાલારકાબી ગોઠવ્યાં બિસ્કિટની નવામાં નવી જાત વડે તાસકો ભરી અને ફળનો ખુમચો ખુલ્લો મૂક્યો. ચાની શરૂઆત થાતામાં દીવા થયા, એટલે સહુએ ઉતાવળે ચા પીવા માંડી.

'સરખા હક્ક માગતી સ્ત્રીઓ દીવા થતાં કેમ ડરતી હશે ?' ભાસ્કરે


  1. *એક કંટાળાનો ઉદ્ગાર