પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૭૩
 

નાખે. એમાં ન પૂરો પ્રેમ. જામે કે ન રૂઢિનું અંધ અનુસરણ થાય. એવા સંજોગમાં માતા અને પુત્રીની નિકટતા ઘટી જાય અને બંને ભેગાં થતાં દેખાય છતાં અળગાં અને અળગાં રહે. જયાગૌરી અને શોભનાના સંબંધ આમ વહાલભર્યા છતાં અધૂરા જ રહેતા.

અને ઉંમરનો તફાવત એ ન ઓળગાય એવો પટ છે, સમાન ઉમર સહજમાં ભળી એક બની જાય છે. શોભના અને ચંચળ બંનેના સંસ્કારમાં ભેદ હતો, છતાં સ્ત્રીના દેહતંત્ર અને ઉરતંત્રની સામ્યતા બંનેને બહુ પાસે લાવી મૂકતી. ઠપકા સાંભળીને પણ ચંચળ શોભના જોડે વાતે વળગતી. માતાનો અણગમો જાણ્યા છતાં શોભના ચંચળના હૃદયપટને ઓળખવા મથતી.

મા ન જાણે એમ ચંચળ પાસેથી તેણે ખાતરી કરાવી લીધી કે જેનાં તે વખાણ કરતી હતી. તે પરાશર હતો.

શા માટે તે એની વાત કઢાવી રહી હતી ? પુરુષોથી દૂર રહેવા, પુરુષોથી ઊંચી કક્ષાએ જવા મથતી શોભનાને સૂતે સૂતે વિચાર આવ્યો : સૂતે સૂતે તેણે ચિત્રો જોયાં. તેણે ધાર્યું હતું એવાં જ તે ચિત્રો હતાં; સારાં હતાં, અણગમો આવે એવાં ન હતાં, કેટલાંક તો અત્યંત કલામય હતાં, છતાં ધ્વનિ તો એક જ : પુરુષોને ગમતું અંગ-પ્રદશન !

નદીમાં સ્નાન કરતી યુવતીનું ચિત્ર કે અર્ધ ખુલ્લા દેહને વાળવસ્ત્રથી ઢાંકતી - કે વાળવસ્ત્રથી અળગા કરતી યૌવનાનું ચિત્ર ! માથે બેડું લઈ મીઠું હસતી પનિહારીના અંગવળોટની રેખાઓ હોય કે વેલીઓના ચટાપટા પાછળ અંગ અંગ ખુલ્લાં રાખી રમતી મસ્તીખોર ફૂલબાળા હોય ! એ સર્વ ચિત્રોની પાછળ એક જ ભાવ : પુરુષને શું ગમશે ? નારી દેહ પુરુષને ગમે છે માટે તેને જુદી જુદી દેહમુદ્રાઓમાં આલેખવો.

પરંતુ નારીને પોતાનો જ દેહ ગમતો હોય તો ? જુદું ! પોતાનો દેહ ગમતો હોય તોય. આવી કાળજી અને વૈવિધ્યથી આલેખાતો નારી દેહ આટલો બધો મુલાયમ - જેમ વાળીએ તેમ વળે એવો હોય ખરો ?

શોભનાએ પોતાના હાથ ઉપર હાથ ફેરવ્યો, ગાલ ઉપર હાથ ફેરવ્યો. તે સુંવાળી જરૂર હતી. તેનાં આંગળાં રૂપાળાં હતાં ખરાં. તેને પોતાને જ એ સુંવાળાશ અને આંગળીઓની નાજુકી ગમ્યાં. પરંતુ એમાં પુરુષને શું ? એ સુંવાળાશ માત્ર પુરુષોની આંખ અને હાથ આકર્ષવાને જાણે સર્જાઈ હોય એમ સ્ત્રીઓ કેમ માનતી હશે ? અગર પુરુષોની એવી માન્યતાનો વિરોધ કરવા ગાલને ફુલાવી ચિત્ર કદરૂપ કરાવી નાખવા કેમ મથતી નહિ હોય ? આ આંગળાં માત્ર વીંટીઓ જ પહેરે અગર હસ્તમુદ્રામાં