પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪: શોભના
 

જ વપરાય એનું કંઈ કારણ ? પુરુષને ચૂંટી ભરી તેની ચામડી ઉખાડતી આંગળીઓ બતાવવામાં શી હરકત ?

તે એકાએક ચમકી અને બેઠી થઈ. પુરુષો માગે એ માલ વ્યાપારીઓની માફક ચિત્રકારો પણ પૂરો પાડે છે. સ્ત્રીઓ જાતે તો પુરુષની માગ પ્રમાણે પોતાને નહિ ઘડતી હોય ?

શોભનાને સૌંદર્ય પ્રત્યે તિરસ્કાર આવી ગયો. સૌંદર્ય ! સૌંદર્ય ! સૌંદર્ય ! પુરુષ કહે તેવું ! પુરુષ ઘડે તેવું ! પુરુષ માગે એવું ! છાતી ઉપર ઢાંકેલા વસ્ત્રને તેણે ખસેડી નાખ્યું, અને તેમ કરવાથી, જાણે પુરુષવર્ગની સામે કશું કદરૂપું દૃશ્ય રજૂ કરતી હોય તેમ બેફિકરાઈથી તેણે આગળ ચિત્રો જોવાં માંડ્યાં. તેને ખબર ન હતી કે કોઈ પુરુષ પાસેના મકાનની બારીમાંથી તેને ધારી ધારીને નિહાળતો હતો, અને જેને તે કદરૂપું દૃશ્ય માનતી હતી. તે પુરુષમાનસનું એક અતિ રમ્ય સ્ત્રીદુશ્ય હતું.

પરંતુ આ પુરુષનૃત્ય શાનું ? શિવના નૃત્યનું ચિત્ર ! શિવ પાર્વતીને રીઝવે છે ! કેટલું ધમકભર્યું દેહડોલન ! પગ, હાથ, ગ્રીવા, કમર, ભ્રૂ અને અંગુલિમાં કેટલું બળ વહેતું દેખાય છે ? શિવનું મુખ સુંદર હતું; પરંતુ કૃષ્ણ સરખું છોકરી જેવું નહિ. સ્નાયુઓ પણ કેવા ઘાટીલા ! પગની પિંડી કેટલી આગળ પડતી ? જંઘાના વિભાગો પણ કેવા ! કમરથી સ્કંધ સુધી જાણે કમાન વિકસાવી ન હોય ! છાતી કેટલી વિશાળ અને મજબૂત ! હાથના સ્નાયુઓ પ્રવાહી પોલાદ સરખા ગતિમાન !

પુરુષને સ્ત્રીસમાધાન માટે નૃત્ય કરવું પડે છે ! ઘડી ઘડી પાસે ખેંચાતો, હાથમાં હાથ ભરાવવા મથતો, આંગળી પંપાળવા ઉત્સુક રહેતો અગર પગને અજાણતાં અડક્યાનો દેખાવ કરતો ભાસ્કર આમ દૂર રહીને બળભર્યું નૃત્ય કરે તો વધારે સારો ન લાગે ?

તેણે નર્તકીના ચિત્ર તરફ જોયું અને શિવનૃત્યના ચિત્ર સાથે તેને સરખાવ્યું. તેના મનમાં સંતોષ તો થયો. પુરુષને રીઝવવા જેમ સ્ત્રી નૃત્ય કરે છે, તેમ સ્ત્રીને રીઝવવા પુરુષને પણ નૃત્ય કરવું પડે છે. સ્ત્રી બળવો કરે, પુરુષના સામું જુએ જ નહિ, પુરુષનો સહવાસ સેવે જ નહિ, સર્વ કામમાં અસહકાર કરે તો પુરુષે યે નૃત્ય કરી સ્ત્રીને રીઝવવી જ પડે ને ?

શોભનાએ પોતાની આસપાસ નૃત્ય કરતા, આર્જવભરી વિનંતીઓ કરતા, પ્રશંસા ગાતા દયાપાત્ર પુરુષનો સમૂહ ઊભરાતો નિહાળ્યો. તેણે અભિમાનથી હોઠ દાબ્યા અને લૂગડાને ઘસડાતું રાખી આયના તરફ