પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શોભનાના હાથમાં પ્રથમ માસનો પગાર પણ આવી ગયો. એકસામટા પોતાની માલિકીના સો રૂપિયાની નોટ હાથમાં આવ્યે શું થાય એનો અનુભવ ધનિકો અને તેમનાં ઉડાઉ છોકરાંને ન સમજાય એવો છે. શોભનાએ ધાર્યા પ્રમાણે પાસેની જ બે ઓરડીઓ ભાડે લઈ સજાવી પણ દીધી. બહેનપણીઓને, મિત્રોને અને ઓળખીતાઓને તે આ ખંડમાં જ મળતી. બીજામાં તેણે વાચનગૃહ અને શયનગૃહ બનાવી દીધાં. તેણે ચિત્રોમાં પણ વધારો કર્યો. વેલેન્ટીનોની જોડમાં જ ભાસ્કરની એક છબી ટીંગાઈ ગઈ, નર્તકીના ચિત્રની જોડાજોડ શિવનૃત્યનું ચિત્ર પણ ગોઠવાઈ ગયું.

શાળામાં પણ એ માનીતી થઈ પડી. બાળકબાળકીઓને તે ખૂબ ગમતી - શિક્ષિકાઓ તેની મૈત્રી શોધવા મથતી. અને શિક્ષકો વચ્ચે તેના ઓળખાણની કક્ષા સંબંધી હરીફાઈ ચાલતી. એમાં પણ તેને એક વાત તો દેખાઈ આવી કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે પરાધીન અને વધારે દુઃખી હતી. શિક્ષિકા કોણ થાય ? વિધવા, ત્યક્તા કે વયે પહોંચેલી કુમારિકા. પરણીને વગે થઈ ગયેલી નિશ્ચિત સ્ત્રીઓના વિશાળ સમૂહમાં આ ત્રણે વર્ગ જુદી જ ભાત પાડતા હતા - પતિતાઓની જેમ એક અનોખી જ ભાત હોય છે તેમ.

અને પુરુષો ? એમાં ભાત જ નહિ; સહુ સરખા ! કુંવારા, પરણેલા અને વિધુર, ત્રણે ! છતાં તેને આ જીવનનો ખાસ અણગમો આવ્યો નહિ. સમજે એવા શિષ્યવૃંદ આગળ સરસ ભાષણ કરી છાપ પડાય, અને ન સમજે તેવી ઉંમરના શિષ્યવૃંદને રીઝવી છાપ પાડી શકાય.

વચમાં વચમાં તે સ્ત્રીમંડળો સાથે ભળતી અને કદી વ્યાખ્યાન પણ આપતી. વાતો, કુથલી, આળસ અને મોટાઈનાં મોજા ઉપર ઊછળતાં એ સ્ત્રીમંડળો ઉપર શોભનાએ સારી છાપ પાડી. તેની ઈચ્છા નહિ. છતાં તેના ઓળખાણનો પરિઘ વિસ્તુત બની ગયો.

જયાગૌરી અને કનકપ્રસાદને આગ્રહ કરી તે આજ સિનેમામાં લઈ જવાની હતી. કનકપ્રસાદે ખરેખરા કંટાળાથી અને જયાગૌરીએ નવીનતાનો વિરોધ કરવો જોઈએ એટલા જ કારણે પ્રથમ તો ના પાડી; પરંતુ