પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૭૭
 

પુત્રીના આગ્રહે કનકપ્રસાદની ખરી ના અને જયાગૌરીની પરપોટા સરખી નાને હામાં ફેરવી નાખી. બની શકે તો માતાપિતાને ટૅક્સીમાં લઈ જવાનો વિચાર કરતી શોભના વસ્ત્રો પહેરી સમય થવાની રાહ જોતી એક નવીન ચિત્રમાલા નિહાળતી રુઆાબમાં બેઠી હતી અને ભાસ્કરના પગ ખખડ્યા.

વચ્ચે વચ્ચે બિલકુલ ન મળતો. મોટરકારમાં કદી કદી બેસાડવાનું ભૂલી જતો ભાસ્કર એવો દેખાવ કરવામાં શોભના પ્રત્યેનું પોતાનું આકર્ષણ જગતથી છુપાવવાની ચાલાકી રમતો હતો. તેનાં બૂટના ખખડાટને પારખી ગયેલી શોભનાને તેની મોટરનો ઉપયોગ કરવાની શક્યતાએ સહજ પ્રસન્ન બનાવી. ભાસ્કર આવી એક આરામખુરશી ઉપર બેઠો.

‘કેમ, થાક્યો છે શું ?’ શોભનાએ પૂછ્યું.

‘કાંઈ વાત ન પૂછીશ ને ! આટલું આટલું કરવા છતાં સહુને મારા ધનની અદેખાઈ.’ ભાસ્કરે કહ્યું.

‘એમ કેમ ?'

'મને આનંદનો કે આરામનો હક્ક નહિ !’

‘કોણ ના પાડે છે ?'

‘પેલો એક મહાન સામ્યવાદી પાક્યો છે ને ?’

‘કોણ ?’

‘પરાશર ! બીજું કોણ ?’

શોભના ભાસ્કર સામે જોઈ રહી. પછી તેણે પૂછ્યું :

‘થયું શું?'

‘આજે મારે સિનેમામાં જવું છે; બહુ કલામય ચિત્ર આવ્યું છે ! મેં પરાશરને સાથે આવવા કહ્યું ત્યારે એ મારા ઉપર ઊતરી પડ્યો !’

‘શા માટે ?’

‘સિનેમા જેટલી રકમ મારે હડતાલના ફાળામાં આપવી એમ તેનું કહેવું છે !’

‘આપી દે એટલી રકમ !’

‘અરે, અમે જેટલી રકમ આપી છે એટલી રકમ કોણ આપવાનું છે ? પણ આ તો કહે છે કે તું સિનેમા જોવા પણ ન જઈશ. કેટલી મૂર્ખાઈ ! અદેખાઈ ન કહું તો.’

‘આજે તો હું પણ જોવા જવાની છું - અમે બધાં.’

‘તો આપણે સાથે જ જઈશું.’