પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨: શોભના
 

એ બંધન ન હોત તો ? તે જરૂર ભાસ્કર સાથે વધારે છૂટથી વર્તી શકત; પરંતુ વધારે છૂટ એટલે ? દેહને અને મનને ગમે એવો પ્રેમ કરવો, નહિ?

ભાસ્કર પણ એ જ માગતો હતો ! કદાચ લગ્નથી છુટાય, પણ પુરુષથી છુટાય કે નહિ ? શોભનાના હૃદયમાં કૈંક સમયથી - ભાસ્કરનો પ્રથમ પરિચય થયો ત્યારથી - પુરુષમાં રસ ઉત્પન્ન થતો જતો હતો, પરંતુ એ ભાવ તેને પુરુષની માલિક બનાવતો હતો કે તેને પુરુષની માલિકી બનાવતો હતો ? દેહ અને મનને ગમે એવી ઢબે પ્રેમ કયા પછી ?

પછી પુરુષનું પણ સ્ત્રીને વ્યસન ન પડી જાય ? ગમતો સંબંધ વધારે ગમતો બની પોતાને આગળ જતાં પુરુષાધીન નહિ કરે એની ખાતરી શી?

પરંતુ ભાવિના ભયથી અત્યારનું સુખ ખોવામાં ડહાપણ હતું કે નબળાઈ તેના વિચારમાં પડેલી શોભના ચિત્ર જોવા છતાં તે સમજી શકતી નહિ.

'Superb ! ભવ્ય !’ ભાસ્કર ધીમે રહી બોલી ઊઠ્યો.

‘શું ?' જરા જાગીને શોભનાએ પૂછ્યું.

‘જોયું નહિ તેં ? કેવો ભવ્ય અભિનય !’

‘સમજાયું નહિ. કાંઈ “કીસિંગ" જેવું લાગ્યું.’

‘ઊર્મિના વમળમાં પડેલા આ મહાન શોધકને મિત્રની સ્ત્રીએ દેહ સમર્પ્યોં ! કારણ એ ઊર્મિહૃદય દેહ દ્વારા સંતોષતું ન હોવાથી જડ બની જતું હતું. શોધકની શક્તિ નિરર્થક જતી આ સ્ત્રીથી ન જોવાઈ. એટલે...’

‘હવે એ ખૂબ શોધ કરશે ?'

‘એમાં જ હવે ચિત્રનો વિકાસ થાય છે.'

વળી બન્ને જણે શાંતિથી ચિત્ર નિહાળ્યું; પરંતુ બંનેના હૃદયમાં અશાંતિ હતી. ભાસ્કરે ધીમે રહી પૂછ્યું :

‘શોભના ! મારો અણગમો આવે છે ?'

'ના'

‘તો... મને કેમ તરછોડે છે ?’

‘મને સમજ પડતી નથી; હું પરણેલી છું.’

‘એ તો તેં બહુ વખત કહ્યું. નૂતન દૃષ્ટિએ લગ્ન એ બંધન ન હોય.’

‘હજી એ બંધન મને જકડી રાખે છે.'

‘છૂટી થઈ જા.’