પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦: શોભના
 

નાયિકાનાં અંગે અંગના સૌંદર્યનું સૂચન કરવાની સિનેમાચિત્રની પ્રથા હરકોઈ વર્તમાન યુવતીને સરખામણીના પ્રદેશમાં સહજ ખેંચી જાય છે. લાગ્યું કે તેનાં અંગઉપાંગ પણ સૌંદર્યમાંથી કોઈથી ઊતરે એવાં ન હતાં.'

એકાએક શોભનાને પોતાના ઉપર જ રીસ ચડી. સૌંદર્ય નિહાળીને તે પોતાની પુરુષપાત્રતા જ સિદ્ધ કર્યા કરતી હતી, નહિ ? સખીઓની પ્રેમવાતોનો શોભના તિરસ્કાર કરતી હતી. પુરુષો સંબંધી ચર્ચાનો તેને અણગમો હતો; લગ્ન કે અલગ્ન સંબંધના સુખની રસભરી સૂચનાઓમાં તેને બીભત્સપણું લાગતું; બાળકોના જન્મનો પ્રશ્ન તેને અસહ્ય થઈ પડતો હતો. તેને પુરુષરહિત સ્ત્રી - પુરુષને પડછે નાખ્યા વગરની સ્ત્રી - તરીકે જીવવાનો શોખ હતો. પુરુષ વગર જિવાય જ નહિ, રહેવાય જ નહિ એવું પુરુષાધીનપણું તેને અત્યંત અણગમતું હતું - અને એ અણગમાને લીધે તેણે કેટલીય સખીઓનો સાથ મૂકી દીધો હતો. પ્રેમમાં પડવું, પુરુષને રમતનું સાધન પૂરું પાડવું, પછી પરણવું અને અંતે માતા બની પોતાની અને જગતની જંજાળમાં ઉમેરો કરી જીવનને પરતંત્ર બનાવવું - આ સ્ત્રીજાતિનો સહજ ક્રમ. એ ક્રમમાં સ્ત્રીજાતિ પોતાનું વ્યક્તિત્વ વેચી નાખે છે અને માત્ર આર્થિક કલહમાંથી ઊગરી જવાની સુંવાળાશ ખાતર જીવનભરની ગુલામગીરી સહી લે છે. એ સહજ ક્રમનો તેને વિરોધ હતો. આર્થિક ભારણ પુરુષને માથે નાખી દેવાના બદલા તરીકે દાસી, રસોઇયણ, ગણિકા, વંશવર્ધની અને પરિચારિકાના સઘળા જ ધંધાના બોજા માથે લેઈ એક ઘરપિંજરનો સ્વીકાર કરવો એ તેને સ્ત્રીજાતિના અપમાન સરખું લાગતું હતું.

કૉલેજમાં અભ્યાસ સમયે તેના આ ભાવ પ્રબળ બન્યે જતા હતા. તેને ગળે હાથ નાખી અગર તેના હાથમાં હાથ ભેરવી ફરવા ઈચ્છતી બહેનપણીઓનું તેણે અપમાન પણ કર્યું હતું. તેના દેહની સાથે તેની સખી પણ છૂટ લેઈ શકતી નહિ. પુરુષોની, પ્રેમની, લગ્નની બુદ્ધિજન્ય ચર્ચા હોય ત્યાં સુધી શોભના એ ચર્ચામાં ભાગ લેઈ શકતી હતી; પરંતુ ‘જો આ મારો કાગળ આવ્યો છે !’ ‘પેલો સુમન બહુ દેખાવડો છે !’ ‘પાર્થિવની આંખો કેવી ભૂરીઆા-સાહેબો જેવી છે !’ ‘આજે કસરત શાળાના વડ પાસે હું શિરીષને મળવાની છું.’ ‘જોયું ? પહેલાં મારી આસપાસ ફરતો જનાર્દન હવે સામુંયે જુએ છે ? એને કુસુમે ભોળવ્યો !’ એવી એવી વિદ્યાર્થિનીઓની વાતોને તે ઉત્તેજન આપતી નહિ, અને સહાનુભૂતિ ન આપ્યાના બદલામાં કેટલીક મૈત્રી તે ગુમાવતી પણ ખરી. રંભા, તારિકા અને વિનીમાં સ્ત્રીસુલભ