પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરંતુ શોભના તો પરણી પણ હતી. એના જીવનમાં એક પુરુષનો પ્રવેશ તો થઈ ચૂક્યો હતો. શા માટે એ એમ માનતી હતી કે તેના જીવનમાં માત્ર એક જ પુરુષે પ્રવેશ કરવા માંડ્યો હતો ? તેની ભૂલ થતી હતી. તેના જીવનમાં બે પુરુષોનો પ્રવેશ થતો હતો !

સ્વદેહ જોઈ, કપડાં બદલી, દીવો હોલવી તે ખાટલામાં સૂતી. તેની દૃષ્ટિ સમક્ષ તેનું પૂર્વજીવન - મહત્વનું પૂર્વજીવન ખડું થયું. વીજળીના ઝળહળતાં ઝુમ્મરો કરતાં પણ જાણે વધારે પ્રકાશ પડતો હોય એમ તે અંધારામાં જ પોતાના જીવનટુકડાને કેવી સ્પષ્ટતાથી જોઈ રહી હતી ?

એ જીવનમાં કોઈ વૈભવ ન હતો - બાહ્ય વૈભવ તો નહિ જ. વારંવાર ત્રીજા વર્ગની મુસાફરી એ તો બાળ-અનુભવ. બીજા અને પહેલાં વર્ગમાં બેસવાનું શોભનાને મન થતું હતું, પરંતુ માતા નિઃશ્વાસ સાથે અને તેના પિતા સ્મિત સાથે એ ઊંચા વર્ગોંમાં મુસાફરી કરવાની ના પાડી હતી.

બગીચાવાળા મોટા મકાનમાં રહેવાનું શોભનાને ઘણું મન થતું હતું. તે પૂછતી :

‘આવા ઘરમાં આપણાથી ન રહેવાય ?’

મા કહેતી :

‘રહીશું બહેન ! ઈશ્વર રાખશે ત્યારે.'

પિતા કહેતા :

'એ બગીચામાં ફૂલ નથી; એ ગરીબોનાં આંસુ છે. એ બંગલામાં માલિકની મહેનત નથી; એમાં સટ્ટો, જુગાર અને અકસ્માત છે.'

શોભનાને સમજ પડતી નહિ. નાનાં નાનાં મકાનોમાં તે રહેતી અને ભણતી. મોટા બગીચાવાળાં મકાનોમાં પણ તેના જ સરખી છોકરીઓ રહેતી અને ભણતી. પરંતુ આવાં મકાનોમાં તેનાથી રહેવાય નહિ, મન હોય તોપણ - એટલું તેને સમજાતું.

માતા અને પિતા બંને શોભનાને ઘણાં જ વહાલાં હતાં. શોભના માતાપિતાને પણ એટલી જ વહાલી હતી. તેજસ્વી, બળભર્યા લાગતા પિતા તેને કોઈ વાર પૂછતા :

‘જો શોભના ! તને બગીચાવાળું ઘર બહુ ગમે છે, ખરું ?'