પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪: શોભના
 


‘હા.’ શોભના જવાબ આપતી.

‘તારે રહેવું હોય તો બગીચાવાળું એક ઘર મને જડ્યું છે.’

‘તો ચાલો ને આપણે ત્યાં જ રહીએ.'

‘ત્યાં તારે એકલીને રહેવું પડે. અમારાથી ન અવાય.'

‘તમારા વગર કે બા વગર મારાથી શી રીતે રહેવાય ?’

‘તો એ ઘરનું શું કરવું છે ?’

‘મારે એમાં નથી જવું.’ આ જવાબ સાંભળી પિતા નાનકડી શોભનાને હાથમાં ઊંચકી લેતા અને તેને છાતીએ વળગાડતા. એ તેજસ્વી, બળભર્યા અને નિર્ભયતા ફેલાવતા પિતાના મુખ ઉપર એણે કદી કદી ચિંતા નિહાળવા માંડી, અને માતાને અશ્રુ ઢાળતી પકડવા માંડી.

‘ભાઈ ! કાંઈ થાય છે ?’ શોભના પિતાને પૂછતી.

‘ના, અમસ્તો જરા થાક લાગ્યો છે.’ પિતાનો જવાબ મળતો.

‘હું માથું દબાવી આપું ?’

‘હા.’ પિતાના મુખ ઉપર હાસ્ય ફરતું. નાનકડા હાથ પિતાને કપાળે સહજ ફરતા, પિતાના મુખ ઉપરની ચિંતા દૂર થઈ જતી અને શોભનાને કશું ખાવાનું મળતું.

‘બા ! શું થાય છે ? કેમ રડે છે ?’ શોભના માતાને પૂછતી.

‘કાંઈ નહિ, બહેન ' માતાનો જવાબ મળતો.

‘માથું દુઃખે છે ?’ રડવાનું જાણે એક જ કારણ હોય એમ શોભના પૂછતી.

'ના.'

‘ત્યારે અમસ્તુ કોઈ રડતું હશે ?'

‘હું નથી રડતી.'

‘જૂઠું બોલાય ?' પોતાને દીધેલી શિખામણ બાળકો ઘણી વાર વ્યાજ સાથે મોટેરાંને પાછી આપે છે.

માતા હસી પડતી. પાસેની ઓરડીમાંથી મા-દીકરીની વાત સાંભળતા કનકપ્રસાદ કહેતા :

‘એની હીરાની બંગડી આજે જતી રહી. તેથી એ રુવે છે.'

‘હું મોટી થઈશ અને કમાઈશ ત્યારે બાને માટે ખૂબ ખૂબ હીરાની બંગડીઓ લાવીશ.'