પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૯૫
 


શોભના મોટી થતી ગઈ તેમ તેમ તેને સમજાવા લાગ્યું કે તેના પિતા જુદે જુદે સ્થળે નોકરી કર્યે જતા હતા, છતાં ઘરની ગરીબી ઘટતી ન હતી. અડધું સમજતી, અડધું ન સમજતી શોભનાએ એક દિવસ અતિ શિથિલ બની ગયેલાં માતાપિતાને પૂછ્યું :

‘ભાઈ ! તમે એકલા જ કેમ કમાઓ છો ?’

‘એટલે ? તું શું પૂછે છે ?’

‘એમ. કે... બા ન કમાઈ શકે ?'

‘કમાવા માટે તો સારું ભણવું પડે ને ?’

'તે બા ભણી નથી ?’

‘એટલું બધું નહિ અને... હજી બૈરાં કમાવા જતાં નથી.’

‘તે બૈરાંથી કમાવા ન જ જવાય ?'

‘હવે જવું જ પડશે એમ લાગે છે.'

‘હું ખૂબ ભણું તો આપણે પૈસાદાર થઈએ, નહિ ?'

કનકપ્રસાદ તેમના સમયમાં ઘણું ભણ્યા હતા, છતાં તે પૈસાદાર થઈ શક્યા ન હતા. ભણવું અને કમાવું એ બંને ક્રિયાઓ જ જુદી છે. છતાં તેમણે વાત ટૂંકાવવા કહ્યું :

'હા.'

અને ત્યારથી શોભનાનો અભ્યાસ પણ સરસ બનવા માંડ્યો. શરમાતી, સંકોચાતી, દબાતી વિર્દ્યાર્થિનીઓમાં શોભના આગળ તરી આવતી. અભ્યાસમાં, રમતમાં, વક્તૃત્વકળામાં અને મેળાવડામાં તેને અગ્રસ્થાન મળવા માંડ્યું. વિદ્યાર્થીઓની ટીકા અને હરીફાઈએ તેનામાં બળ વિકસાવ્યું અને પુરુષવર્ગની સ્પર્ધા કરવામાં રહેલું સ્ત્રીત્વનું મહત્ત્વ પણ તેને સમજાયું.

એક પરિચિત જાગીરદાર ઘનશ્યામરાયે શાળાના મેળાવડામાં શોભનાને ઘણાં ઈનામો લઈ જતી જોયા પછી કનકપ્રસાદને કહ્યું :

‘આને મૅટ્રિક સુધી તો લઈ જશો ને ?’

‘હા, જી. એની તો બી.એ. થવાની મરજી છે.'

‘ભણાવો, ભણાવો, છોકરી ચબરાક છે.'

‘માત્ર કૉલેજનું સ્થળ અહીં નથી. એ મુશ્કેલી છે.’

‘એક મારા મિત્રે શહેરમાં શાળા ઉઘાડી છે. ત્યાં જવું છે ?’

‘હા, જી. કૉલેજનો લાભ શોભનાને આપી શકાય.'