પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮: શોભના
 


‘હવે સમજી ?’ માતાએ હસતે હસતે પૂછયું.

‘ના.’ સ્મિતસહ શોભનાએ જવાબ આપ્યો.

‘એ જાગીરદારે પોતાના દીકરા માટે તારું માગું કર્યું છે.'

શોભના પ્રથમ ચમકી. પ્રાથમિક પ્રેમ વગર પરણવાની માગણી ગમે તે વર્તમાન યુવતીને ચમકાવે એમ હોય છે.

પછી ઘણી વાતો થઈ, અને શોભનાએ શા માટે અજાણ્યા યુવક સાથે છેવટે પરણવાની હા પાડી તેનું કારણ તેને હજી સુધી જડ્યું ન હતું. માતાપિતાની ઈચ્છાને માન આપવાની વૃત્તિ, હા કહેવી સારી કે નહિ એ ગુંચવણીનું નિરાકરણ કરવાની અશક્તિ, ધનિક કુટુંબનો સંબંધ, ભાવિ પતિનું ભણતર, અને સુખમય જીવનની આશા. પરણ્યા પછી ભણતર ચાલુ રહે એવી સગવડ, બંગલો, ગાડી, કાર, નિશ્ચિત ભવિષ્ય અને સ્ત્રીસ્વાતંત્ર્યની ભાવનાની કચાશ એ સઘળાં તત્ત્વોએ ભેગાં મળી તેની પાસે હા કહેવરાવી.

લગ્ન બહુ જ સાદાઈથી, બંને કુટુંબ સિવાય બીજા કોઈને ખબર ન પડે એવી શાંતિથી અને તીર્થધામમાં કરવાનાં હતાં એટલે માબાપનો ખર્ચ બચે. પોતાને અણગમતી જાહેરાત અટકી જાય અને સાસરે રહેવામાંથી મુક્તિ મળે એ સર્વ અનુકૂળતાઓ ભેગી હોવાથી શોભનાની હા મજબૂત બની. વરની છબી પણ તેને બતાવવામાં આવી. હોય એના કરતાં રૂપ વધારે દેખાય એ ઉદ્દેશથી છબીઓ પડાવવામાં આવે છે. છબી તેને સારી લાગી. માત્ર છબીને જોઈને જ મોહમાં પડવા જેવી લાગણી કેટલાંક સ્ત્રીપુરુષને ઉત્પન્ન થાય છે. તેવી લાગણી કાંઈ શોભનામાં જાગૃત થઈ નહિ. તથાપિ છબીવાળા યુવકમાં ખાસ વાંધો કાઢી શકાય એમ હતું નહિ. વરનો - અને વરને લીધે આખા ધનિક વરપક્ષનો એક ભારે આગ્રહ હતો કે લગ્નની જાહેરાત જરાય થવી ન જોઈએ. જોકે સગાંવહાલાંએ એ હકીકત જાણી, છતાં એ લગ્નને વર્ષો વીતી જવા આવ્યાં, બંને પક્ષમાં જાણે કશો સંબંધ ન હોય એવું વર્તન થયું, વર અને વરના પિતા વચ્ચે ઝઘડો થયો, અને દેશસેવાની-જગતસેવાની ધૂનમાં ઊતરી પડેલા વરે અજ્ઞાત, ન પરખાય, ન પકડાય એવાં બદલાતાં સ્થળ અને કાર્યની અંદર પરોવાઈ ભૂતકાળને જાણે ભુલાવી દીધો હોય એમ કર્યું હતું.

પરંતુ એ ભૂતકાળ ખરેખર ભુલાઈ ગયો હતો ખરો ?

પરણીને એક જ દિવસ સાસરે રહી. તે પાછી માતાપિતા પાસે ચાલી આવી હતી. એ એક દિવસ જાણે તે નવી દુનિયામાં રહી હોય એમ તેને લાગ્યું. તેને એકાંતમાં મળવા માટે તેના પતિએ પ્રયત્નો કર્યા હતા, પરંતુ