પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૨૦૧
 

મસળી નાખવાનું, ગાલે ચૂંટી ખાણવાનું, પાણીને છલકે ચડાવવાનું અને પહેરેલાં વસ્ત્રોને ફાડી નાખવાનું મન થઈ આવતું.

આ ભાવને તે ઓળખી ગઈ હતી. જુગજુગથી પુરુષનું ભોગસાધન બનેલો સ્ત્રીદેહ પરાપૂર્વથી પડેલી સાહજિક બની ગયેલી ટેવતૃપ્તિ માગતો હતો. થોડી વારમાં તે સાવચેત બની જતી હતી, અને વિકારરહિત ઉગ્ર માનસ અનુભવી શકતી. ધીમે ધીમે એ આવા દેહચાળાને જીતવામાં સફળ પણ થતી જતી હતી.

તેમાં શા માટે પતિએ વચ્ચે આવી વિક્ષેપ નાખ્યો ? પરાશર સાથે તે પરણી હતી - બહુ જ ચૂપકીથી - લગભગ ગુપ્ત રીતે તે પરણી હતી: કહો કે તેને પરણાવી દીધી હતી. પરંતુ એ પરાશર હવે તેનો પતિ હોઈ શકે ખરો?

કૉલેજના વ્યાખ્યાન પછી ભાસ્કરની કારમાં બેસતાં બેસતાં એક વ્યક્તિનો પડછાયો તેને કંપાવી ગયો. શા માટે ? એ કોઈ નિરર્થક ધર્મક્રિયાએ ઊભો કરેલો વળગાડ માત્ર હતો. એને લગ્ન ભાગ્યે જ કહેવાય. એ લગ્ન થઈ ગયા પછી એને કાયમ માનવાનો કશો જ પ્રસંગ ઊભો થયો ન હતો. છતાં શોભના પરાશરને કેમ ઓળખી શકી ? અને ઓળખીને વિકળતા કેમ અનુભવી રહી ?

પરાશરના નવા અસ્તિત્વને શોભનાએ ભાસ્કર તરફ વધારે ખેંચી. અગર પરાશરના અસ્તિત્વને ભૂલી જવા માટે તેણે ભાસ્કરને પોતાના જીવનમાં વધારે પ્રવેશ પામવા દીધો. છતાં પરાશર સામે અને સામે આવ્યા જ કરતો હતો. ભાસ્કરને ઘેર, પરાશરને ઘેર, યંગ ઈન્ટેલેક્ચ્યુઅલ્સની સભામાં, સિનેમામાં અને બીજે પણ પરાશર અટવાઈ આવતો હતો.

એ જાણી જોઈને તો વચ્ચે આવતો ન હતો ? પોતાનો હક્ક કે અધિકાર આગળ કરે તો એનો સ્વીકાર કરવાનું સ્ત્રૈણ શોભના પાસે ન હતું. એ તો એના હક્ક અને અધિકારને ધક્કો મારે ! અને એ ધક્કો મારી શકે એમ છે એમ બતાવવા ભાસ્કરનો સંગ તે રાખ્યા જ કરતી હતી !

લગ્નના અસ્વીકારની છાપ ઉપજાવવા તે ભાસ્કર પ્રત્યે ખેંચાવાનો દેખાવ કરતી હતી કે ભાસ્કર પ્રત્યે તેને પ્રેમ ઊપજવો શરૂ થઈ ગયો હતો? ભાસ્કર સુંદર, સંસ્કારી, ધનવાન અને અનુકૂળ સ્વભાવવાળો હતો. એની પત્ની બનવામાં અણગમો આવે એવું કશું ન હતું; તે એમ જ ઈચ્છતો હતો. એની ઈચ્છા પૂરી ન પડાય ? લગ્નનાં બંધન તેને રોકી રહ્યાં હતાં, નહિ ? એ લગ્નબંધન તોડવાને પાત્ર શું ન હતાં ? સ્ત્રીએ અણગમતાં, અધૂરાં, અવિચારી લગ્નો શા માટે સ્વીકારી લેવાં જોઈએ ?