પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨: શોભના
 


અરે, લગ્ન જ શા માટે હોવા જોઈએ ? લગ્ન વગર સ્ત્રીપુરુષના સંબંધ બંધાય તો ?

ત્યારે શા માટે તે ભાસ્કરના પ્રત્યેક પ્રેમચિહ્નનો પ્રતિકાર 'હું પરણેલી છું’ એ વાક્યથી કર્યા કરતી હતી ?

તે પરણેલી ન હોત તો ? ભાસ્કર અને પરાશર એ બેમાંથી કોની પસંદગી કરત ? પરાશરે ધાર્યું હોત તો તેના પિતાની ધનિક સ્થિતિનો લાભ મેળવી તે પણ ભાસ્કર સરખો સોહામણો રહી શક્યો હોત, નહિ ? લગ્ન પહેલાંની એની છબી એક રૂપાળા, સુઘડ અને વસ્ત્રશોખીન યુવકની જ હતી. અને આજ પણ તેના તડકે તપેલા મુખમાં, તેની ઉગ્ર આંખોમાં ન ગમે એવું તત્ત્વ શું હતું ? ભાસ્કરની મૃદુતા અને પરાશરની ધમક - એ બેમાં કયું લક્ષણ વધારે આકર્ષક ?

અને પરાશરની ભાવના ? ભાવના તો ભાસ્કરની પણ ઊંચી હતી. તે પણ પોતાનું ધન ગરીબોમાં વેરતો હતો, મિત્રોને સહાય કરતો હતો, કાર્યકરોનાં મંડળો રચતો હતો.

પરંતુ પરાશર તો ધનને ત્યાગી ગરીબીમય બની ગયો હતો ! ત્રીસ રૂપિયાનો જ એનો ખર્ચ !

એને શું શું નહિ જોઈતું હોય ? એને ક્યાં દુ:ખ નહિ પડતાં હોય ? ભાસ્કરને સંભાળવા માટે નોકરોનો મોટો સમૂહ હતો. પરાશરને કોણ સંભાળતું હશે ? પેલી રતન - પારકી પડોશણ - ફક્ત તેના દુઃખે દુખી થતી હતી !

અને રંભા ?

રંભા તો બહુ વિષયી ! એને યુવકોનો જ સાથ ગમે; એને યુવકોની જ વાત હોય ! અને...અને... કોઈ કોઈ વાર એ કેવું નફ્ફટ કથન કરતી હતી? કેવી સહેલાઈથી એ પરણવાની હા પાડી દેતી ? પરાશરનો સાથ તો શોધ્યા જ કરતી હતી ! તે દિવસે સિનેમામાં પરાશરને ખેંચીને કેવી પાસે લઈ આવી ! પરંતુ શોભનાને તે સમયે કેમ ફેર આવી ગયા ? એને શું અસહ્ય લાગ્યું ? બાપ રે ! પરાશરની પાસે આવતાં કેમ શોભનાનું ભાન જતું રહ્યું ? અને તેણે હાથ ઝાલ્યો ત્યારે ? સૂતે સૂતે શોભનાનાં રોમરોમ ઊભાં થઈ ગયાં.

એ ભૂલેચૂક્યે પતિ બન્યો. એમાં એનો શો દોષ ? ત્રણ દિવસથી તો એણે ખાધું ન હતું ! એનું કોઈ સગું કે વહાલું નથી એમ રતનનો આરોપ