પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૨૦૩
 

સહુને માથે હતો. શોભનાએ પત્નીત્વ સ્વીકારી લીધું હોત તો ? એ આરોપ મૂકવાની ક્ષણ તે કદી આવવા દેત નહિ. હવે તો તેણે કમાવું પણ શરૂ કરી દીધું હતું, છતાં તેનો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો રહેતો હતો !

દૂર દૂરથી કોયલનો ટહુકાર શોભનાએ સાંભળ્યો. કહે છે કે નરકોકિલા માદાને એ ટહુકારથી સાદ કરે ! પ્રતિ વર્ષ છ છ માસ સુધી એ ટહુકા કર્યે જ જાય છે !

‘પરાશરના નવા મિલનને છ માસ થઈ ગયા, નહિ ?’ શોભનાના મનમાં પ્રશ્ન ઊઠ્યો.

પ્રભાત થવા આવ્યું લાગ્યું. શોભનાએ ધાર્યું કે તે લાગણીવેડામાં ઊતરી જાય છે. તેણે નિદ્રા લાવવા પ્રયત્ન કર્યો. મીંચેલી આંખો તેણે વધારે મીંચી. પાસું બદલી તેણે એક પગની બીજા પગ સાથે આંટી ભીડી.

ફરી કોકિલટહુકો થયો, અને એ ટહુકામાં જ શોભનાને નિદ્રા આવી.