પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૦૫
 
'અલ્લા હો અકબર!'

હિંદુ હડતાલિયાઓ જરા છોભીલા થયા. ઈશ્વર મહાન છે. એ કથન બધા આસ્તિકોને કબૂલ છે, પરંતુ અરેબિક ભાષામાં એ ભાવનો ઉચ્ચાર થાય તો કદાચ હિંદુઓનો ઈશ્વર અભડાઈ જાય !

‘વટલી જાઓ ! થઈ જાઓ. મુસલમાન ! બાયલા ! હિંદુ હો તો બોલો: હરહર મહાદેવ !' ટોળાના એક ભાગમાંથી કોઈ બોલ્યું. અને હિંદુ હડતાલિયાઓ બોલી ઊઠયા :

'હરહર મહાદેવ !’

બાદશાહોએ ગૌવધ બંધ કરાવ્યા, મંદિર-મઠને જાગીરો આપી અને ધર્મસમાનતાનાં ફરમાનો કાઢ્યાં ! ભલે, પરંતુ વીસમી સદીનો મુસલમાન કાફરોના ઈશ્વરનું નામ સાંભળી રહે તો હજાર વર્ષની એની હિંદની માલિકી લાજે નહિ ? છો ને આજે હિંદના માલિકો બીજા હોય !

પરાશરને લાગ્યું કે ખુલ્લા આકાશમાંથી વીજળી તૂટી પડે છે ! તેને કદી ભય લાગ્યો ન હતો તેવો ભય આજે લાગી ગયો. હિંદની આઝાદી રોકતી અનેક ચુડેલો મજદૂરોના સંગઠનથી વિનાશ પામશે એમ તેની ખાતરી હતી. ધર્મને બાજુએ રાખી રચેલાં હિંદુમુસ્લિમ મજદૂરોના સંગઠનમાં ધર્મન્વિતાની ચુડેલનો ઓળો જરા પણ ફરકશે નહિ એમ તેની ખાતરી હતી. એકાએક તેના પ્રયત્નને નિષ્ફળ કરતી આ ધર્મન્વિતા ક્યાંથી ફૂટી નીકળી તેનો એને પ્રથમ ખ્યાલ આવ્યો નહિ. કેટલાંક અચોક્કસ તત્ત્વો અણધારી ક્ષણે આગળ નીકળી આવી બાજી ફેરવી નાખે છે. પરાશરે બાજી ફરતી અટકાવવા બૂમ મારી :

'બિરાદરો ! આપણી એક જ રણગર્જના હોઈ શકે !' સહુ શાંત રહ્યા, પરંતુ બાજુએથી એક અવાજ આવ્યો :

'ભાઈઓ નથી કહેવાતું ? તે બિરાદરો કહી મુસલમાનોની ખુશામત કરે છે ?’

બીજી પાસથી એક અવાજ આવ્યો :

‘મુસ્લિમોએ શું પોતાનો પોકાર છોડી દેવો ? બોલો : ઈસ્લામ ઝિંદાબાદ ! અલ્લા હો અકબર !’

પોકારનો જવાબ પણ મળ્યો અને પરાશરને કોઈએ સાંભળ્યો નહિ. એના પ્રયત્નો નિષ્ફળ ગયા. ચારે પાસથી ‘અલ્લા હો. અકબર' અને 'હરહર મહાદેવ’ના પોકારો સામસામા અથડાવા લાગ્યા. ઈશ્વરને નામે ઘટ્ટ બનતું વાતાવરણ પાપમય ઉગ્રતા ધારણ કરી રહ્યું. વચમાં વચમાં ‘મહાત્મા ગાંધી