પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬: શોભના
 

કી જય’નો પણ ધ્વનિ ઊપડી આવ્યો, જેના જવાબમાં ‘ઝીણા ઝિંદાબાદ ! મુસ્લિમ લીગ ઝિંદાબાદ'ના પોકાર પણ થયા. આમ ઈશ્વરનું નામ લડવા માટે ઓછું પડ્યું હોય એમ માનવનેતાઓનાં નામ પણ યુદ્ધનાં કારણ બની ગયાં. મૂડીવાદપોષક મિલમાલિકની સામે એક મને ઝૂઝવા તત્પર થયેલી મજદૂર બિરાદરી ધર્મે જોતજોતામાં તોડી પાડી, અને દૂર રહેલા શોષક દુશ્મનને બાજુએ રાખી તેને ભૂલી જઈ ભાઈ ભાઈ તરીકે અત્યાર સુધી વર્તેલા મજદૂરો ધર્મને નામે - મઝહબની બાંગે - એક ક્ષણમાં દુશ્મન બની ગયા. ખભેખભા લગાડી રહેલા ભાઈઓ એ સ્પર્શથી એકએક દાઝી ગયા, અને હિંદુએ મુસલમાનને અને મુસલમાને હિંદુને સાત પેઢીના દુશ્મન તરીકે નિહાળ્યો.

દુશ્મનો શું કરે ? ઝપાઝપ લાકડીઓ ઊડવા લાગી, માથાં ફૂટવા લાગ્યાં. અવ્યવસ્થા ફેલાઈ ગઈ અને ચપ્પુ તથા છરા પણ નીકળવા લાગ્યા. પરાશરને પ્રથમ તો લાગ્યું કે પોતાના હાથમાં રહેલી લાઠીનો ઉપયોગ કરી આ ઝનૂની ધર્માન્ધોને ફટકાવી કાઢે. પરંતુ એ વધારે ઉગ્ર માર્ગ તેને નિરર્થક લાગ્યો. ધર્માન્ધતાથી લાઠી ચલાવતા એક જંગલી હિંદુ કે જંગલી મુસલમાનને પગલે ચાલવામાં તેનું મન પાછું પડ્યું. જ્ઞાની અને અજ્ઞાની બધા જ ઝૂડવાની ક્રિયાને મહત્ત્વ આપે, મારામારીનો આશ્રય લે, તો એક અભણ મજદૂર અને એક જગત-ઉદ્ધાર કરવા નીકળેલા સામ્યવાદીમાં તફાવત જ ન રહે. એકને ધર્મનું ઝનૂન; બીજાને જગત ઉદ્ધારનું ઝનૂન. અને ઝનૂન એ માનસિક ઘેલછા નહિ તો બીજું શું ?

તેના હાથ સ્થિર થઈ ગયા; તેના પગ સ્થિર થઈ ગયા; તે અવાચક બની ગયો. તેના હૃદયમાં એક ભયાનક નિરાશાનું મોજું ફરી વળ્યું. પરાશરના જ બોધથી એકત્ર બનેલા મજદૂરો અણધારી ઢબે છૂટા થઈ ગયા ! તોફાન મિલમાલિક સામે અથવા પોલીસ સામે કરવાનો સંભવ હતો. તેને બદલે અંદર અંદર જ તોફાન મચી રહ્યું. હજી પ્રજાનો શોષિત વર્ગ આર્થિક મોરચે ઊભો રહે એટલો કેળવાયો નહિ ! શું કરવું ?

પરાશરની વિચારશક્તિ પણ શૂન્ય બની ગઈ. તેના ઉપર પણ એકબે લાકડીઓ પડી ચૂકી છતાં તેનું મન સચેત ન બન્યું. એક ટોળું તેના તરફ ધસી આવ્યું છતાં. તે ત્યાંથી ખસી શક્યો નહિ. ટોળામાંથી કોઈએ તેના ઉપર લાકડી ઉગામી. એ ઉગામનાર હિંદુ હતો કે મુસલમાન તેની પણ ખબર ન રહી.

તેના માથા ઉપર ઊતરતી લાકડી એક બીજી લાકડી ઉપર ઝિલાઈ