પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૦૯
 

ચમકાવ્યો. કોઈ પણ ધર્મમાં ન માનનાર પરાશર હિંદુત્વના પેઢીગત સંસ્કારને બળે એક હિંદુનો ધર્મપલટો સહન ન કરી શક્યો શું ?

‘શું કરું ? એક મુસલમાને મને ભૂખ્યાને ખાવાનું આપ્યું, અને બસ ચલાવવામાં ક્લીનરની નોકરી આપી. ભૂખને ધરમ શો ? વટલ્યો તો તે જ વખતથી, પણ ખરો મુસલમાન ગયે વર્ષે જ થયો.'

‘હવે ઠીક કમાતો હોઈશ, ખરું ?’

‘હા, ભાઈ ! ઠીક છે. હવે તો હું બસનો માલિક બની ગયો છું.’

'કેવી રીતે?'

સોમાએ વાત કહી. તેને પાળનાર અને નોકરી આપનાર મુસ્લિમને કામથી સોમાએ ખુશ કર્યો. સોમાની વફાદારી અને દક્ષતા એને બહુ ઉપયોગી થઈ પડ્યાં. કમાણી વધી અને કરજે કાઢેલી મોટરબસનું કરજ સોમાની એકનિષ્ઠ નોકરીથી ફીટી ગયું. માલિકની મરિયમ નામની દીકરી સોમાથી સહેજ મોટી હતી. બંનેના હૃદયમાં યૌવન ગુંજી ઊઠ્યું. માલિક એક દિવસ અકસ્માતમાં ઘવાયો. સામાન્ય મનુષ્યો માટે સારવાર - શાસ્ત્રીય સારવાર - હોતી જ નથી. વારંવાર માંદગી વધી પડી. તેના મુખ ઉપર ભારે વ્યગ્રતા હતી. વારંવાર તે પોકારી ઊઠતો.

‘મારી મરિયમનું શું થશે ?'

સોમાએ મરિયમની કાળજી પોતે રાખશે એમ જણાવ્યું. તેણે જવાબ આપ્યો :

‘બેટા ! તું મુસ્લિમ થાય તો હું મરિયમ સાથે શાદી કરાવીને જાઉં.’

સોમાને આ અદ્દભુત ઉદારતાએ અસર કરી. મરિયમ તેને ગમતી તો હતી જ. તેણે હા પાડી. હિંદુધર્મ છોડ્યો, અને મરિયમ તથા મોટરબસ પામી તે સુખી સંસારી બન્યો.

હિંદુધર્મ છોડ્યાથી એને ગેરફાયદો શો થયો ? હિંદુધર્મમાં આવી ઉદાર સગવડ ગુલામી માટે જન્મેલા સોમા માટે કદી થઈ શકત ખરી ? ધર્મ બદલી સોમો સમન બન્યો તે સાથે જ તે એક મહાન બિરાદરીનો મુક્ત અણુ બની રહ્યો. તેના માનસમાં એક જાતનું સ્વાતંત્ર્ય અને મસ્તી આવ્યાં - જે હિંદુત્વના સંકોચ આપતા વાતાવરણમાં અશક્ય હતાં. તેની નૂતન મુસ્લિમતાએ તેના ઉચ્ચારમાં પણ ફરક પાડી દીધો.

‘મને કૈંક આરિયાઓ કહે છે કે તું હિંદુ બની જા; પણ હિંદુઓ હવે મને ઊભો શેના રાખે ?'

‘પણ હવે તું મારા જેવા હિંદુને કેમ બચાવી લાવ્યો ?’