પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦: શોભના
 


‘લો ! તે હું તમને ભૂલી જાઉં, ભાઈ ? હિંદુ હોઈએ કે મુસલમાન ! પણ જેણે આશરો આપ્યો એને નજર આગળ મરવા દેવાય ?’

‘મરવા જેવું આમાં શું હતું ?'

‘અરે ભાઈ ! ત્યારે તમને કશી ખબર જ નથી.’

‘શાની ?'

‘કે આ હુલ્લડ કેમ થયું ?'

‘હું એ જ વિચારુ છું. મારા સાથીદારો મને સદાય વફાદાર રહ્યા છે. આજે એમણે મારું કહ્યું કેમ ન સાંભળ્યું ?’

'સાથીદાર તો ઠીક છે, ભાઈ ! અમારા જેવા ઘડીમાં આામ અને ઘડીમાં તેમ પણ ફરે. પણ આ હુલ્લડોમાં જુદી બાજી હતી.'

સોમાએ એ બાજી સમજાવી. મિલમાલિકોએ થોડા મૌલવીઓ - મૌલવીનો દેખાવ કરનારા ઝનૂની અર્ધભણેલાઓને તેમજ હિંદુ ધર્મને સાચવવા માટે ગુંડાગીરીની જરૂરિયાત છે એમ માનનારા સભાભંજકો અને અખાડાબાજોને હડતાલ ભાંગવા માટે રોક્યા હતા. બીજી કોઈ રીતે હડતાલ શમી નહિ એટલે બંને પક્ષને તેમણે પૈસા આપી રાખ્યા. અંદર અંદર ધર્મને નામે હડતાલિયાઓ ઝઘડી પડે તો સારામાં સારું ઇનામ મળવાનું હતું. ધર્મને કારણે તેઓ ન ઝઘડે તો છેવટે સામા થઈને પણ તોફાન કરવાનું જ હતું. આ એક બનેલા ટોળાને ધર્મે લડાવી મારવાનું સત્કાર્ય કર્યું; અને મિલમાલિકો ઉપર કશો જ આરોપ આવી શકે નહિ એવી કુનેહથી હડતાલિયાઓ અંદર અંદર જ લડી પડ્યા.

હિંદુ-મુસ્લિમ ઝઘડાઓ તો હિંદને શરમાવતા ઝબકી ઊઠે છે; પરંતુ એ ઝઘડાઓની પાછળ આવી ચાલબાજીઓની ચોકસાઈ હોય છે એનું તેને અત્યારે પ્રથમ જ ભાન થયું. અર્થ કાજે ધર્મને વેચવા કોઈ વ્યક્તિ પ્રયત્નશીલ થાય. પરંતુ સંસ્થાઓ અને સમાજે ધાર્મિક મતભેદને હથિયાર બનાવી ધર્મની, માનવતાની જીવનની આવી ક્રૂર મશ્કરી પણ કરી શકે એ તેને માટે ન રુઝાય એવો ઘા બની ગયો. તેને એમ લાગ્યું કે ચારે પાસ વ્યાપી રહેલી આ નીચતામાં જીવવા કરતાં મરવું વધારે શ્રેયસ્કર હતું !

‘અને તેમાં તમને ઘા કરવાની તો બરાબર પેરવી હતી. મને જ એ કામ સોંપાયું !' સોમાએ કહ્યું.

'તને ?'

‘હા, ભાઈ ! હું મિલમાં લારી અને બસનો કૉન્ટ્રાક્ટ રાખું છું ને ?’

પરાશર કાંઈ બોલ્યો નહિ. તેની જિહ્વામાં ઊતરે એવા ઉદ્ગાર તેની