પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૧૩
 

ખબર નહિ હોય પણ હું તો તમારા “યુનિયન"માં છું. તમારાં ભાષણો ઘણી વખત સાંભળું છું; પણ એ હડતાલ ભાંગવાની પેરવી ચાલી એટલે હું જાણી જોઈને એમાં ભળ્યો. તેમાંયે જ્યારે સાંભળ્યું કે તમને ઘસી નાખવાના છે તો એ કામ મેં જ માથે લીધું. બીજો હોત તો તમને છરો ભોંકી દીધો હોત ને ?'

'પણ તને મિલવાળા પૂછશે તેનું શું ?’

‘કહીશ કે તમે છટકી ગયા અને તમારા જેવા બીજા કોઈને છરો ભોંકાઈ ગયો.’

પરાશરનો દેહ દુ:ખતો હતો, મનનો દુ:ખાવો એથી પણ વધારે હતો. મિલવાળાઓએ ભલે હડતાલ ભાંગવાની યુક્તિ રચી. એ સફળ કેમ થઈ? એનું નિદાન શું ?

તેનામાં ઊઠવાની શક્તિ રહી ન હતી. તેને કાંઈ પણ કામ કરવાનું મન રહ્યું ન હતું. તેને શૂન્યતામાં ઊતરી જવાની જ ઈચ્છા રહ્યા કરતી હતી. દેશને સ્વતંત્ર બનાવવો, પ્રજાને સુખ મળે એમ કરવું, શોષિતોનો જીવનભાર હળવો બનાવવો - એ બધી ભાવનાઓ ખાલી, નિર્બળ અને હવાઈ લાગી. કોઈને સ્વતંત્ર બનવું નથી ! બીજાઓ સ્વાતંત્ર્ય લાવી આપે તો ઠીક. પ્રજાને સુખ આપવું એટલે પહેલું પોતે સુખ મેળવી લેવું, અને એ સુખ સનાતન રહે એવી જ ચોકસાઈ કરવી. એટલું થાય પછી વધ્યુંઘટ્યું સુખ ભલે પ્રજામાં વેરાય ! અને શોષિતો ? એમને જીવન હોય તો જીવનભારનું ભાન થાય ને ? કાલે મહાત્મા ગાંધીને તેઓ સાંભળતા હતા. મહાત્માએ પીછેહઠ કરી એટલે સામ્યવાદને તેમણે સાંભળવા માંડ્યો; પરંતુ એ ગાંધીવાદ અને સામ્યવાદ હજી તેમને હિંદુમુસ્લિમ વિરોધથી મુક્ત નથી કરી શક્યા.

પરાશર જરા ચમક્યો. સામ્યવાદીઓ અને સમાજવાદીઓ બહુ બુદ્ધિમાન હોય છે. દલીલમાં તેઓ અત્યંત નિપુણતા ધરાવે છે, અને પ્રત્યેક બનાવ કે પ્રસંગનાં કારણોની સાંકળને માર્ક્સે ભાખેલા આર્થિક વર્તારાની સાથે જોડી દેવાની દક્ષતા બતાવ્યા કરે છે - જેમ હિંદુશાસ્ત્રો અને રૂઢિઓ બધા જ વ્યવહારને વેદમાં કે ગીતામાં જોવા મથે છે તેમ.

હિંદુમુસ્લિમ વિરોધ આગળ અટકી પડેલા સામ્યવાદનો વિચાર આવતાં જ પરાશરને લાગ્યું કે કાં તો સમાજ સામ્યવાદ માટે પક્વ થયો નથી કે પછી સામ્યવાદીઓની પ્રચારપદ્ધતિ ખામીભરેલી છે. સમાજ પક્વ ન હોય તો તેવો બનાવવાની સામ્યવાદીઓની ફરજ હતી. પ્રચારપદ્ધતિ ખામીભરેલી હોય તો આત્મનિરીક્ષણ કરી તેને સુધારવી રહી.