પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૧૫
 


'હરકતનો પ્રશ્ન નથી; પણ જોખમનો ભય મારે ટાળવો જોઈએ.’

‘તો પછી અહીં જ રહી જાઓ ને !’

‘જોખમની સામે જઈને હું ભય ટાળવાનો. જોખમથી ભાગવામાં હું માનતો નથી.' સહજ આરામ અને પોષણની અસરથી પરાશરની ઓસરી જતી તાકાત પાછી આવવા માંડી હતી. સમનનો આગ્રહ વ્યર્થ બન્યો અને અંતે પરાશરે મરિયમની રજા લીધી. સમન કરતાં સહજ મોટી ઉંમરની આ મુસ્લિમ યુવતી બુરખામાં રહીને પણ એક હિંદુને આશ્રય આપી શકી હતી. એ અદ્દભુત ઉદારતા પરાશરને પોતાના અગ્નિમય જીવનમાં શીતળતાની ઝડી સરખી લાગી હતી. તેણે મરિયમનો આભાર માન્યો.

‘શાનો આભાર ? અમને અભણને કશી ગતાગમ તો હોય નહિ...' મીઠા અવાજે મુખ ઢાંકી રહેલી મરિયમે કહ્યું. તેને બોલતી અટકાવી પરાશરે પૂછ્યું :

‘તમે ભણ્યાં નથી ?’

‘ના, અમને કોણ ભણાવે ?’

'હું ભણાવું તો ?'

સમન બસ તૈયારી કરી લાવ્યો. તેણે કહ્યું :

‘ચલો, ભાઈ ! બેસી જાઓ. હું મૂકી આવું.’

‘જરૂર નથી, હું ચાલ્યો જઈશ.’ પરાશરે કહ્યું.

'તે હું એમ જવા દઉં ખરો ?’

‘હું એક શર્તે બેસું.’

'શી?'

‘મરિયમને ભણાવવાનું કબૂલ કરે તો.'

‘હા, હા, કબૂલ; તમે ચાલો ને !’

અજ્ઞાન, અંધશ્રદ્ધા, ઝનૂન, સ્વાર્થ, દાવપેચ અને જુઠ્ઠાણાને પોષતી સમાજરચનામાંથી આવા અપવાદો કેમ નીકળી આવતા હશે ? સમનની સાથે જતાં જતાં પરાશર વિચારવમળમાં પડ્યો. પરાશરની ચાલી ક્યાં આવી હતી. તે સમનને બતાવવાની જરૂર ન હતી; કારણ પરાશરનું સ્થાન તે જાણતો હતો. મકાન આવતાં ગાડી ઊભી રાખી. તે પરાશર સાથે જ ચાલીમાં આવ્યો.

‘ભાઈ ! આવ્યા ?’ રતન દૂરથી બૂમ પાડતી આગળ આવી. લોકો ભેગા થઈ ગયા અને પરાશરની ઓરડીમાંથી ડૉક્ટર કુમાર પણ બહાર નીકળી આવ્યો. તેણે પૂછ્યું :