પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરાશર છાપે ચડીને મહાપુરુષ બની ગયો. વાચકોએ તેની આસપાસ કૈંક વાર્તાવલિ ઊભી કરી. તેનું ખૂન થવાનો સંભવ તેના પ્રત્યે વાચકજગતનો સમભાવ પ્રેરી રહ્યો. જીવતોજાગતો જડ્યાની હકીકત વાંચી લોકોનો સમભાવ તેના પ્રત્યે વધી ગયો. એનું ખૂન કેમ થવાનું હતું, એ કેમ બચી ગયો. એણે કેટલી બહાદુરી કરી એ સંબંધમાં લોકોની કલ્પનાએ જાતજાતની નવલકથાઓ ઘડી કાઢી. આવા મિથ્યા સમભાવનો તિરસ્કાર કરી રહેલો પરાશર કશી હકીકત બહાર પાડવાની તૈયારી બતાવતો ન હતો. એટલે કુતૂહલ અને સમભાવ અનેકગુણ વધી ગયા. લોકો તેના તરફ આંગળી ચીંધવા લાગ્યા.

‘આ પેલો પરાશર !’

એ ઉદ્ગારો તેણે રસ્તે ચાલતાં ઘણી વાર સાંભળ્યા. સમૂહની કલ્પના અને સમભાવ ઉપર જ જગતની ઉન્નતિનો આધાર રહેલો છે, પરંતુ અશાસ્ત્રીય અને અવાસ્તવિક સમૂહમાનસ કેટકેટલી વિકૃતિઓ ઉપજાવે છે એનું દૃષ્ટાંત તાજું જ હતું. સમૂહને લડત ઉપર ઊંચકવામાં રહેલાં જોખમોનો ખ્યાલ તેને આવવા લાગ્યો હતો. જોકે એ સમૂહની લડત સિવાય મૂડીવાદનો નાશ થવાનો નથી. એની પણ તેના મનમાં ખાતરી જ હતી.

પોલીસે પણ તેનો ઠીક ઠીક પીછો લીધો હતો, કારણ હડતાલની યોજના તેણે જ ઘડી હતી. મિલમાલિકો પ્રાંતીય સરકારના પરિચિત મહાસભાવાદી હતા એટલે પોલીસ બરાબર તપાસ કરવાની ચાનક રાખતી હતી. હડતાલ ભાંગવા માટે થયેલી યુક્તિ વિષે કોઈ કશું જ જાણતું ન હતું. અને ખાદીધારી મિલમાલિકોએ તો હાથ નીચેના અને તેમનાથીયે દૂર રહેલા હાથ નીચેના કાર્યકર્તાઓને ગમે તેમ પૈસા વાપરો, પણ હડતાલ બંધ પડાવો ! શું કરવું તે અમને પૂછશો જ નહિ !’ એવી સૂચના સાથે કાને હાથ દઈ સત્ય અને અહિંસાપાલનની પ્રતિજ્ઞા કોઈ પણ ન્યાયની અદાલતમાં સાબિત થાય એવી રીતે પાળી હતી.

હડતાલ પડાવવામાં અંગત રીતે ખૂબ રસ લઈ રહેલા વિજયરાયને મિલમાલિકોએ મનાવ્યા; પ્રધાનો તેમને ઘેર ખેંચાઈ આવ્યા અને હડતાલ બંધ પાડવાની મસલત કરવા જેવું મહત્ત્વ તેમને આપ્યું; સમિતિમાંથી દૂર કરવાની દરખાસ્ત કરનાર ઉછાંછળા મહાસભાવાદી યુવકે વિજયરાય