પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪: શોભના
 


પરાશરને પણ અજબ મૂંઝવણ થતી હતી. કેમ વાત કરવી તે પણ સૂઝતું નહિ. પરાશરને કાયદા પ્રમાણે શોભના સાથે બોલવાનો હક્ક હતો. સમાજની માન્યતા પ્રમાણે શોભના સિવાય બીજી કોઈ પણ યુવતી સાથે બોલવાનો તેને હક્ક ન હતો. છતાં અહીં તે અજાણ્યા, પરાયા પુરુષની મૂંઝવણ અનુભવી રહ્યો. રડતી શોભનાએ તેના હૃદયને હલાવી નાખ્યું. તેને લાગ્યું કે તે શોભનાને અડકી શકે - ચહાઈ શકે એમ હતું.

‘હું તને રડાવવા આવ્યો નથી.' પરાશરે કહ્યું. આખા જગતનું રુદન બંધ કરવા માટે ફકીરી લેનાર પરાશરને લાગ્યું કે રુદન એ એકલી રોટલીના અભાવનું જ કારણ ન હોય. અનેક ઊર્મિગ્રંથિના પરિણામરૂપ રુદનને અટકાવવા કેટકેટલી માનસકૂંચીઓ ફેરવવી પડે !

‘તો કહે, તું કેમ આવ્યો ? તું આવીશ એમ મને લાગ્યા તો કરતું જ હતું.' શોભનાએ કહ્યું.

‘કેટલીક વાત કહેવા આવ્યો છું. તને સમય તો છે ને ?' પરાશરે કહ્યું.

'હા.'

‘એક તો એમ કે... મારા ઉપર... થોડો વખત થયો. પચાસ રૂપિયા આવ્યા હતા..."

'તે તારા ઉપર રૂપિયા ન આવવા જોઈએ એમ તું માને છે ?'

‘રૂપિયા ભલે આવે, પણ મારા ઉપયોગ માટે નહિ અને આમાં તો... કશું લખ્યું જ નથી.’

'તે તારા મિત્રોને પૂછ. ઘણા એવી રીતે તને પૈસા મોકલતા હશે.’

“મેં પૂછી જોયું. ભાસ્કર ના પાડે છે, કુમારની સ્થિતિ એવી નથી કે મને પૈસા આપે. વિજયરાય, કૃષ્ણકાન્ત અને બીજા પણ ના પાડે છે.’

‘રંભાને પૂછ્યું ?’ સહજ ઝીણી આંખ કરી પરાશરના મુખ ઉપરનો ભાવ વાંચવા તત્પર થયેલી શોભનાએ કહ્યું.

‘હા, એણે પણ ના પાડી.’

'પછી ?'

‘હું તને પૂછવા આવ્યો.'

‘મને પૂછવાનું કારણ ?’

‘કોણ જાણે ! મને એમ જ થયું કે એ પૈસા કદાચ તેં તો નહિ મોકલ્યા હોય !’

‘તું ભૂતભવિષ્યનો જાણકાર ખરો ને ! પણ માની લે કે એ મેં મોકલ્યા. હવે તેનું શું છે ?’