પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૨૫
 


‘એ હું જાણવા માગું છું કે એનો શો ઉપયોગ કરવાનો છે ! હું મારી કમાણી સિવાયનો બીજે પૈસો મારે માટે ખર્ચતો નથી.'

‘ત્રણ ત્રણ દિવસ સુધી તું ભૂખ્યો રહ્યો હોઉં તોપણ ?’

શોભનાને એ ખબર કોણે આપી હશે ? પરાશર આ ચોક્કસ વિગત સાંભળી જરા આશ્ચર્ય પામ્યો. હડતાલિયાઓને મળતી સહાય વિજયરાયે પાછી ખેંચી લેવા માંડી એટલે પરાશર, ડૉક્ટર કુમાર અને તેમના બીજા થોડા સાથીઓએ ભૂખ્યા રહી હડતાલિયાઓનાં ભૂખે મરતાં કુટુંબીઓનું પોષણ કર્યું હતું. પરંતુ એ વાત તો બહુ ગુપ્ત રાખી હતી !

‘તને કોણે કહ્યું ?' પરાશરે પૂછ્યું.

‘એ કહેવાનું નથી. પછી કોઈ પૈસા મોકલે તો એનો ઉપયોગ કરવાનો, બીજું શું ?’

‘મારી જાત ઉપર ?’

'તે તને શરમ આવે છે ?’

'અલબત્ત.'

'પુરુષ તરીકે સ્ત્રીના મોકલેલા પૈસા વાપરતાં તારું અભિમાન ઘવાતું હશે !’

‘જાતની કમાણી ન હોય તે વાપરવામાં પાપ માનું છું.’

‘તારી પત્ની તને મોકલતી હોય તોય ?’ શોભનાથી વાતની ઉષ્મામાં બોલાઈ ગયું.

પરાશર પણ ચમક્યો. શોભના પોતાનું પત્નીત્વ શું સ્વીકારવા માગતી હતી ? આજ સુધી તો તે પત્નીત્વના અસ્વીકારમાં રાચતી હતી ! પત્નીત્વનું એક ચિહ્ન પણ જણાવા દેતી ન હતી ! અત્યારે આમ કેમ ?

‘એ જ બીજો પ્રશ્ન ! જેને માટે હું તને મળવા આવ્યો છું તે !’ પરાશરે કહ્યું.

‘મને ન સમજાયું.’ શોભના બોલી.

‘તું મારી પત્નીની વાત કરે છે. મારે... પત્ની... છે ?’

‘હા, તારી અને મારી નામરજી હોય તોપણ... તારે પત્ની તો છે જ. સૂરજ જેટલી સાચી ! અને... અને એટલી જ અનિવાર્ય ! નહિ ?’

‘ના, નહિ. પાંચ વર્ષ પરણ્યે થઈ ગયાં, હજી પત્નીને હું ઓળખતો નથી.'

‘તો વકીલ કર, અદાલતમાં જા, સહશયનના હુકમ મેળવ ! અરે, તેમ ન બને તો હાથ ઝાલી ઘસડી જા ! પતિના અધિકાર વાપરતો કેમ નથી?'