પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭: શોભના
 


‘શા માટે આવી જઈશ ?’

‘વધારે ચોકસાઈ કરવા.’

‘અત્યારે જ કરી લઈએ.'

'ભાસ્કર આવે છે; કદાચ રંભા સાથે હશે.'

પરાશરનું કહેવું ખરું પડ્યું. ભાસ્કર અને રંભા બંને બારણા આગળ આવી ઊભાં અને પરાશર તથા શોભનાને એકલાં બેઠેલાં નિહાળી. જરા ચમક્યાં.

‘અમે અંદર આવી શકીએ ?’ રંભાએ હસતાં હસતાં પૂછ્યું.

‘આજે રજા માગવાની જરૂર છે.' ભાસ્કરે પણ વિવેકનો દેખાવ કર્યો.

‘હું ના કહું તો ખોટું નહિ લગાડો ને ?’ શોભનાએ ઊભાં થઈ બારણા પાસે જઈ કહ્યું.

‘ખોટું શા માટે લાગે ? ઘર તારું છે !’ રંભાએ કહ્યું - જોકે રંભાને શોભના ઉપર ખોટું તો લાગ્યું જ અને ભાસ્કર તથા પરાશર શોભનાની હિંમત જોઈ આશ્વર્ય પામ્યાં. શોભનાની આર્થિક સ્થિતિ ભાસ્કરની સહાનુભૂતિ ઉપર જ આધાર રાખી રહી હતી.

‘તો જુઓ ને ! મારે પરાશર સાથે કેટલીક અંગત વાત કરી લેવાની છે. આપણે ફરી મળીએ તો ?’ શોભનાએ કહ્યું.

'હરકત નહિ, પણ તમારે એકાંત જ જોઈતું હોય તો હું મારી કાર આપું, શહેર બહાર તમે લેઈ જાઓ ને ?’ ભાસ્કરે બંને પ્રત્યે પોતાવટ બતાવી.

'ના ના, અમારી વાતો તો સીધી, અરસિક, કારમાં ન થાય એવી.' પરાશર બોલ્યો. પરાશર તેના પ્રત્યે વારંવાર કેમ કટાક્ષ કરતો હતો. તેની ભાસ્કરને ક્યારનીયે સમજ પડી ગઈ હતી.

'Right. Please yourself.' * [૧]ભાસ્કરે કહ્યું.

‘ખોટું તો નથી લાગ્યું ને ?' પાછાં ફરતાં ભાસ્કર તથા રંભાને શોભનાએ પૂછ્યું.

'Not a bit. Carry on.'+[૨]

ફરી પરાશરને અને શોભનાને એકાંત મળ્યું. શોભના બોલી : ‘ભાસ્કર જરા ઉશ્કેરાય છે ત્યારે અંગ્રેજીમાં બોલ્યે રાખે છે.'


  1. * ભલે. તમને ગોઠે એમ કરો.
  2. + જરાય નહિ. જે કરતાં હો તે કર્યે જાઓ.