પૃષ્ઠ:Shobhana.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૩૧
 

સ્વરૂપ. એ સ્વરૂપમાં જ સ્ત્રીપુરુષની વાસના શાંતિ-રસશાંતિ-યૌવનશાંતિ સ્ફૂટ થવી જોઈએ ! વંશવર્ધનનું બળ પણ એમાં જ સમાવું જોઈએ ! સમાજની શિષ્ટતા, મર્યાદા, નીતિ પણ લગ્નની આસપાસ રચાવી જોઈએ ! અને એમ ન થાય તો ?

સમાજનો બહિષ્કાર ! સમાજનો તિરસ્કાર ! એટલે આર્થિક વ્યવસ્થામાંથી દેશવટો ! ભાસ્કર સારી સમજણવાળો યુવાન હતો. રંભા ભણેલી બુદ્ધિશાળી યુવતી હતી. ભાસ્કરની પ્રથમ પત્નીથી તેના જીવનમાં રસઊણપ રહી જતી હતી. એક તો તેનું લગ્ન જ ખોટું. એ લગ્નનો ભંગ ન જ થાય. જીવન તો સંતોષ માગ્યા જ કરે. શોભના તે આપી શકત; પરંતુ એને પણ અકસ્માતલગ્ન તે આપતાં રોકી રાખતું હતું ! એટલે એવી જ બીજી યુવતીમાં તે સંતોષ શોધતો હતો ! રંભામાં એ મળવાનો સંભવ એણે જોયો. બીજા લગ્ન વગર એ શક્ય નહિ.

લગ્નનું નામનિશાન નીકળી જાય તો ? મિલકતની-માલિકીની ભાવના લુપ્ત થાય તો માનવવ્યવહાર વિરુદ્ધ થાય ! લગ્નની - પુરુષ સ્ત્રીને બોટી લેઈ જંગમ મિલકત બનાવી દેવાની - ભાવના લુપ્ત થાય તો માનવનીતિ વિરુદ્ધ થાય !

પણ... પણ... હજી મિલકત વગર ચલાવી શકાય. એક મિલકત જેવી બીજી મિલકત બનાવી શકાય; એક મિલકતનો ઉપભોગ વધારે માણસો પાસે કરાવી શકાય; પરંતુ માનવસંબંધ મિલકતસંબંધ જેવા જડ હશે ખરા ? મહેલનો ઉપયોગ રાજા કરે કે રૈયત કરે તેની તકરાર મહેલ કરી શકતો નથી; પણ માનવી ? ભાઈ ન હોય તેને ભાઈ કેમ માનવો ? બહેન ન હોય તેને બહેન કેમ માનવી ?

એ પણ બની શકે. બંધુત્વનો વિસ્તાર કરી શકાય. સ્ત્રીને મા, બહેન, દીકરી બનાવી શકાય - માની શકાય. પુરુષને પિતા, પુત્ર કે ભાઈમાં ફેરવી શકાય, પરંતુ... એક સંબંધ એવો છે કે જે વ્યક્તિગત બનવા માગે છે. પતિ અને પત્નીના સંબંધો લગ્ન કાઢી નાખ્યા છતાં મમત્વભર્યા અને સંકુચિત નહિ રહે ?

‘શોભના મને પણ ગમે અને ભાસ્કરને પણ ગમે ત્યારે ?' પરાશરે મનની મૂંઝવણ વધારે સ્પષ્ટતાથી મન સામે મૂકી.

‘શોભનાને ગમે તે થવા દેવું એ જ સાચો માર્ગ.' પરાશરે જ પોતાના મનને જવાબ આપ્યો.

‘પરંતુ શોભના પણ કદી કહે કે એને પણ હું અને ભાસ્કર બન્ને ગમીએ છીએ ત્યારે ?'