પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૩૩
 

નીચું જોઈ રહ્યો હતો. જરા રહી તેણે પૂછ્યું.

'પરંતુ બેમાંથી એકેય બાબતની સ્પષ્ટતા ન થઈ ! રૂપિયાનું શું કરું ? અને મારા પતિત્વને ક્યાં ફેંકું ?'

‘એ બંને પ્રશ્નો છ માસ પછી પૂછજે.’

‘તો હું જાઉ ?'

'હા.'

પરાશર ઊભો થયો, અને શોભના સામે જોઈ તેણે બારણા તરફ જવા માંડ્યું.

‘એક ક્ષણ ઊભો રહીશ ?’ એકાએક શોભનાએ ચપળતાથી ખુરશી છોડી કહ્યું.

‘હા, શું કામ છે ?’

શોભનાએ કબાટ પાસે જઈ તેમાંથી કશી વસ્તુ કાઢી, કાગળમાં બાંધી અને ઉપર એક સ્વચ્છ રૂમાલ બાંધ્યો.

'આટલું સાથે રાખો.' પડીકું પરાશરને આપતાં શોભનાએ કહ્યું.

‘શું છે એમાં ?'

‘મારા હાથની બનાવેલી મીઠાઈ છે.'

'પણ...'

‘મારે ચા પીતે જ તને એ આપવાની હતી પણ હું તો ભૂલી જ ગઈ.'

‘જો ને, હું...’

‘જાણું છું કે તું નિરાહારી છે; પણ મને એક ટંક તો જમાડવા દે.'

પરાશરનું હૃદય અને પરાશરનો દેહ હાલી ગયાં. એને રડવાનું મન થયું, શોભનાને ગળે વળગી રડવાનું મન થયું.

રડતો, પ્રેમ પ્રેમ કરતો નિર્માલ્ય ગુજરાતી પરાશરના હૃદયમાં જાગ્યો શું ?

તેના પગમાં બળ ન હતું છતાં તે ઝડપથી નીચે ઊતરી ગયો. ખાંચે વળવાનું આવતાં એણે પાછળ જોયું.

શોભના છજે હાથ ટેકવી હાથ ઉપર મુખ મૂકી અદૃશ્ય થતા પરાશરને જોતી હતી. -

કે પછી રસ્તે જતી-આવતી વિચિત્રતાઓને નિહાળતી હતી ?

કદાચ કશું જ ન જોતાં એ પોતાના હૃદયને જોયા કરતી પણ હોય. એવે સમયે ખુલ્લી આંખ કશુંય જોઈ શકતી નથી.