પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પરાશર ! આ વખતે તો પચાસ રૂપિયા ભેગા થઈ ગયા.' ડૉક્ટર કુમારે કહ્યું.

'ત્રીસથી વધારે રાખીશ. તો હું તને ગુનેગાર ગણીશ.’ પરાશરે જવાબ આપ્યો.

'અને એક બીજી વાત કહું. મને ભારે પગારે મિલમાં નોકરી મળે છે.'

‘મિલમાં તારું શું કામ ?'

‘મજદૂરોની તંદુરસ્તી તપાસવા.’

‘ભારે પગારે હિંદુસ્તાનનું સત્યાનાશ વાળી દીધું છે. એક મજદૂર કે એક ખેડૂત કરતાં એક ડૉક્ટરને શા માટે વધારે આવક હોવી જોઈએ તે હું સમજી શકતો નથી.’

‘મને તો મોટરકાર આપવાનું પણ જણાવ્યું...'

‘મોટરકારમાં બેસીને કરેલી સેવા મોટરકારથી ઊડતી ધૂળ જેટલી પણ કિંમતી નથી. ઉપરાંત પ્રજાની આંખો અને હૈયાં કચરાથી ભરી દે એ જૂદું.'

'પણ સાંભળી તો લે. મેં એ જગાની ના પાડી.’

‘બહુ સારું થયું. પગારનો મોહ આપણા સમસ્ત યૌવનને પાંગળું અને પરાધીન બનાવી રહ્યો છે. કેટલા બુદ્ધિશાળી અને આશાસ્પદ બંધુઓને આપણે પગારના પાતાળમાં ઊતરી ગયેલા જોયા !’

બહાર ચારપાંચ યુવકો પરાશરની ઓરડી આગળ આવી ઊભા રહ્યા. પરાશરે એક ચટાઈ પાથરી તેમને અંદર બોલાવી બેસાડ્યા. રતને શિક્ષણદક્ષિણા તરીકે હાથે ગૂંથી એ ચટાઈ પરાશરને આપી હતી.

‘યંગ ઈન્ટલેકચ્યુઅલ્સ' સંસ્થાનો મંત્રી સુબન્ધુ પરાશરનો પરિચિત હતો. વાંકડિયા વાળ અને કિનાર વગરનાં ચશ્માંને સ્ત્રીની વેણી અને બંગડી જેટલી તીવ્રતાથી ચાહતો, રૂપવર્ગને જરા સ્ત્રી શોભન લજજાથી ઢાંકતો, ફૂટકો બુદ્ધિમાન યુવક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોનો મહાઅભ્યાસી હતો. કોઈ પણ નવું પુસ્તક એણે વાંચ્યું ન હોય એમ બનતું નહિ. એનું વાચન એને ભવિષ્યકથનની પણ શક્તિ આપતું હતું. એબેસિનિયાના યુદ્ધ સમયે મજદૂરક્રાંતિ જગતમાં કેવું સ્વરૂપ લેશે તેનું એ બહુ જ તાદૃશ્ય