પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬: શોભના
 

વર્ણન આપતો. સ્પેનના યુદ્ધમાંથી જગતક્રાંતિનો જવાળામુખી કયી તારીખે, કેટલે સુધી, ક્યાં ક્યાં પોતાનો હુતાશ ફેંકશે એનું ભવિષ્ય ભાખતા સુબન્ધુને સાંભળી સહુ કોઈને એના કથનની ખાતરી જ થતી. અલબત્ત, એના કહેવા પ્રમાણે બન્યું નહિ. એથી એના ભવિષ્યકથનની શક્તિ વિષે એને કે એના મિત્રોને અવિશ્વાસ કદી ઉત્પન્ન થતો નહિ. ભવિષ્ય સાચું ન પડવાનાં કારણો પણ તેની પાસે તૈયાર હતાં, અને એટલી સિફતથી એ કારણો રજૂ કરતો હતો કે જે ન બન્યું તે પણ એની ભાવિદર્શનની શક્તિને જ જાણે આભારી હતું એમ સહુને ભાસ થતો. ચીન અને જાપાનના યુદ્ધનો નકશો અને સૈન્યની હિલચાલ તેને મોઢે હતાં. અને ચીન કે જાપાનને પણ ખબર નહિ હોય એવાં પરિણામોની તે સચોટ અને સશાસ્ત્ર આગાહી કરતો.

તેણે પરાશરને કહ્યું :

‘હું એક અદ્ભુત વ્યક્તિને તારી પાસે લાવ્યો છું.’

પરાશર એક સિવાય સઘળા આવનારને ઓળખતો હતો, એટલે તે સ્વાભાવિક રીતે અજાણ્યા માણસને અદ્ભુત વ્યક્તિ તરીકે ઓળખી શક્યો. અજાણ્યા પુરુષનું મુખ અતિ ઉગ્ર હતું. એની આંખોમાં આંજી નાખે એવો ચમકાર હતો. એના લાંબા વીખરાયલા વાળ વળગાડવાળી ધૂણતી સ્ત્રીની સહજ યાદ આપતા હતા. ખેલ કરતાં મદારી, હરાજી કરતા દુકાનદાર અને ભૂત કાઢતા ભૂવામાંથી કોની સાથે તેને સરખાવવો એની મૂંઝવણ એને જોતાં બરોબર થતી હતી.

‘હું તારો આભાર માનું છું.’ પરાશરે કહ્યું.

‘એમનું નામ ગૌરધીર.’

'મેં નામ સાંભળ્યું છે. આપ તો ચીનથી આવો છો ને ?' પરાશરે પૂછ્યું.

‘હા, સ્પેનમાં યુદ્ધ પૂરું થતાં મોસ્કો ગયો. ત્યાંથી સોવિયેટ ચીનમાં રહી ગીલગીટ અને કાશ્મીર થઈ હિંદમાં આવ્યો.' ધીમે રહી કોઈ ન કહેવા જેવો સંદેશ કહેતા હોય એમ ગૌરધીરે કહ્યું.

‘મારું શું કામ પડ્યું ?’

'તમને જગતના ક્રાંતિકારો સાથે હું જોડી દેવા માગું છું.’

‘મને જોડીને શું કરશો ? હું તો નાનું ક્ષેત્ર સંભાળું છું. તે પણ સફળતાથી નહિ.'

‘કોણે કહ્યું ? મને તો તમારું નામ ચારે પાસથી આપવામાં આવે છે.'