પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે દિવસે કોકિલના સૂર સાથે શોભના સૂતી હતી.

આજે શોભના કોકિલના સૂર સાથે ઊઠી ગઈ. નિદ્રા અને જાગ્રતિ સદાય સંગીતમય કેમ નથી હોતાં ?

અભણ, અસંસ્કારી ચંચળને જે મળ્યું તેમાં એણે સુખ માની લીધું. એનો વર લડે, વઢે, મારે તોય. વરની કાળજી રાખવી અને એને સુખી જોવો એ જ ચંચળનું ધ્યેય.

શોભનાને એનો વર લડે તો ? એ જરૂર સામી થાય. એને વઢે તો ? એ કદી સાંભળી ન રહે. અને કદાચ આંગળી અરાડે તો ? તો જોવા જેવું જ થાય ને ? શોભનાનું ધ્યેય શું ? અંગત સુખ અને અંગત માન.

ચંચળ અને શોભના એ બેમાંથી કોણ ચઢિયાતું ?

એ પ્રશ્ન જ ઊભો થતો નથી. લગ્નજીવન એ કાંઈ જુદી જ ભાવશ્રેણી છે. એ કાંઈ જુદી જ દુનિયા છે. સહુને સુખી કરવાનું ધ્યેય હોય; પરંતુ પતિને સુખ કરવામાં સુખ ઊપજે એવું આકર્ષક તત્ત્વ તેનામાં હોવું જોઈએ ? એ તત્ત્વ કયું ? તન ? મન ? ના... ના... ધન તો નહિ. ધનને મહત્ત્વ આપતું માનસ એ અત્યંત ક્ષુદ્ર કોટીનું લાગે છે !

શોભનાએ જીવનને દોડવા માટે રેષાઓ દોરી દીધી. પરાશર સાથેની વાત પાછળ છુપાયલું મનમંથન તેને છ માસની મર્યાદાવાળું કોઈ વ્રત લેવડાવી રહ્યું હતું. તેને બાળપણનું ગૌરીવ્રત યાદ આવતું. અલૂણું એટલે અલૂણું જ જીવન ! પરાશરને અનુકૂળ થવા માટે શું શું કરવું.

ચા ન પિવાય, ઝીણાં કપડાં ન પહેરાય; હાથે કામ કરવું પડે, પછી જમવામાંયે સ્વાદનો આગ્રહ ન જ રખાય ને ? સાધુજીવન : દુઃખભર્યું જીવન: કષ્ટમય જીવન. શા માટે એ દુ:ખ હાથે કરી ઊભું કરવું ?

અને દેહને તો બાંધી જ મૂકવાનો !

ઊછળતું રુધિર, આનંદઉત્સુક અંગ અને કોઈ તૃપ્તિની શોધમાં ધડક્યા કરતું હૃદય ! એ બધાંને કેદમાં જ પૂરી દેવાનાં !

શા માટે એ બધું ? સ્ત્રીસ્વાતંત્ર્ય સચવાઈ રહે તો પછી ભોગવિલાસ અને સુખમાં પાપ કયે સ્થળેથી આવીને ભરાઈ જાય ?