પૃષ્ઠ:Shobhana.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૧૭
 

બહુ પ્રિય હતું. સ્ત્રીઓના સરખા હક્કમાં તેઓ માનતાં હતાં. પરંતુ તે બીતે બીતે. છોકરીઓને ભણાવવી જોઈએ એમ એમનો મત હતો. પરંતુ એ ભણતરનો ઉદ્દેશ છોકરીને સારો વર મળે એટલો જ હતો. કન્યાઓને કલા શીખવવી જોઈએ એમ તેઓ કહેતાં હતાં. પરંતુ નૃત્ય-અભિનય ને સંગીત જેવી કળાઓએ કન્યાની સોળ વર્ષની ઉમર પછી અદૃશ્ય રહેવું જોઈએ એવો તેમનો છૂપો અભિપ્રાય હતો જે ઘણી વખત એક અગર બીજા સ્વરૂપે વ્યક્ત થતો. તેઓ જાતે હાર્મોનિયમ વગાડતાં, અને સિતારની કેટલીક ગતો પોતાને આવડતી હતી એમ કહેતાં. વર્ષો પહેલાં તેઓ સારા ગરબા ગાઈ-ગવડાવી શકતાં, અને હજી પણ ગરબાની મિજલસોમાં અચૂક હાજરી આપતાં. સભા, મેળાવડા અને નાટક-સિનેમામાં જવાની તેમને ઈચ્છા રહેતી. અને એ ઈચ્છા સામાન્યતઃ પૂરી પણ પડતી. તેમણે પોતાની શાળાના દિવસોમાં બેત્રણ વાર ઉત્સવો પ્રસંગે કોઈ સ્ત્રી (દુષ્યંતની શકુંતલા)ના કે કન્યા (સલીમની અશ્રુમતી)ના અભિનયો કર્યા હતા એમ ઘણી વખત કહેતાં. પરંતુ પુરુષ વિદ્યાર્થીઓની નાટ્યપત્ની બની જાહેર અભિનય કરવાની વર્તમાન યુવતીઓની વૃત્તિમાં તેમને નિર્લજ્જતા લાગતી. અને તેમાંથી નૈતિક અધઃપતન થવાનો પૂરો સંભવ તેઓ સ્વીકારતા હતાં, તથા બની શકે ત્યાં સુધી શોભના એવા પ્રયોગોમાં ન પડે એમ ઈચ્છતાં. જો કૉલેજમાં વિદ્યાથીઓ અને વિદ્યાર્થિનીઓએ નાટક ભજવવાં જ હોય તો ભાઈ-બહેન કે બાપ દીકરીના ભાવને જ વ્યક્ત કરતાં નાટકો રચી ભજવવાં જોઈએ એવી તેમની દલીલ હતી. તેઓ સારાં, સ્વચ્છ કલામય કપડાં પહેરવાની તરફેણમાં હતાં. અને તેમના યૌવનકાળમાં વસ્ત્ર અને વાળપ્રયોગમાં તેઓ અનેક યુવતીઓમાં ગુરુ બની શક્યાં હતાં. પરંતુ બૉબ્ડ વાળ, કાન, કપાળ અને ગાલ ઉપરના અલકપટા અને ખુલ્લી લાંબી સેર, બાંયરહિત કબજા અને અંગ સાથેના અણગમતા સંબંધની અકળામણ દર્શાવ્યા કરતી નાસતી, ભાગતી, સરકતી સાડીનો તેઓ વિરોધ કરતાં હતાં.

આવા વિરોધોની વચ્ચે વર્તમાન યુવકયુવતી પોતપોતાના સ્વભાવ અને સ્વાંગ બદલ્યે જ જતાં હતાં, અને પિતાઓ અને માતાઓ કરતાં જુદી જ ભાવનાઓ જુદા પરિધાનમાં વિકસાવતાં હતાં. એ સ્થિતિ જયાગૌરીને દુ:ખદ નહિ તો મૂંઝવનારી તો હતી જ. એક જ પ્રશ્ન તેમણે પોતાને પૂછ્યો ન હતો : નવો અણગમતો યુગ લાવવામાં તેમનો પોતાનો કેટલો ફાળો હતો ?

'પરીક્ષા પાસ કરીનેયે શું ? એને તો નોકરી કરવી છે !' માતાએ કહ્યું