પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨: શોભના
 


આ બધા વિચારો આવતા છતાં શોભના પ્રયોગ તો કર્યો જ જતી હતી. શ્રદ્ધા ન હોય છતાં વ્રત કરવામાં આર્યજીવનને આનંદ પણ થાય છે, નહિ? માતાપિતા ન જાણે એમ તેણે ચાની ટેવ ઘટાડવા માંડી હતી. ચંચળ, બૂમાબૂમ કરે તોય તે પોતાનાં લૂગડાં ધોવાની રમત ઘણુંખરું કરતી હતી. પોતાની ઓરડીને હાથે શણગારવામાં તે કોઈ વાર એટલું રોકાતી કે તેની માતા તેને ઠપકો આપતી. પથારી કરી સૂવાની ટેવ તો તેને નાનપણથી જ પડી હતી. કોઈ કોઈ વાર એને લાગતું કે પોતાનું સઘળું કામ હાથે કરી લેવામાં જરાય મુશ્કેલી નથી. નોકરોનાં લશ્કર રાખતી ધનિક જનતા નિરર્થક સેવ્યસેવક ભાવ જીવંત રાખે છે.

શાળાનો તો તેને મોહ લાગ્યો. ભાસ્કર કે પરાશર વચમાં ન આવી ગયા હોત તો તે બાળકો સિવાય - બાળકોના શિક્ષણ સિવાય બીજો કશો વિચાર જ ન કરત. પુરુષોમાં પણ સરળ ચાલતા જીવનને હલાવી મૂકવાનું કેટલું બધું બળ રહેલું છે ? પુરુષોનું દેવત્વ સ્વીકારવાનું નથી જ. છતાંય તેનું મનુષ્યત્વ, તેનું રૂપ, તેનું કુરૂપ, તેની ભાવના, તેની ટેવ, તેની ખામી એ સ્ત્રીના સ્મરણમાં કેમ વારંવાર હાલ્યાઝૂલ્યા કરતાં હશે ? ભાસ્કરની રિસ્ટવોચ કે ઝીણું પહેરણ નજર ખેંચી સ્મરણમાં પ્રવેશી જતાં. પરાશરની ખાદી અને આાંટણવાળી હથેળી ગમે એવાં તો નહિ જ ને ? છતાં તે પણ કેમ સ્મરણશક્તિને ધક્કા માયા કરતાં હતાં ?

પુરુષ વગર સ્ત્રીને નહિ જ ચાલે શું ? સમાન હક્ક મળે તોય ? ત્રિયારાજમાં પુરુષનાં હરણ કરી લાવવાં પડતાં હતાં. ! વિક્ટોરિયા મહારાણી હતાં- તેમના જ હકકે મહારાણી હતાં. મહારાજા થઈ ન શકે એવા પુરુષને કેમ પરણી ગયાં ?

અને રઝિયા ? એ સુલતાના હતી. સલ્તનત છોડી એ એક ઊતરતી કક્ષાના પુરુષ સાથે કેમ નાસી ગઈ ?

અને કુમારી રાણી ઈલિઝાબેથ ? કેટકેટલા પુરુષો સાથે એને મૈત્રી ? અને કેટકેટલા એના પ્રેમપ્રસંગ ? બધા ખરા ન જ હોય. છતાં એટલું તો એમાં સૂચન છે જ કે એને લગ્ન વગર ચાલ્યું. પુરુષ વગર નહિ.

પાઠ કે ઈતિહાસ શીખવતાં શોભનાને કદી કદી આવા વિચારો પણ આવતા.

પ્રથમ શોભના પુરુષોને તિરસ્કારની દૃષ્ટિથી જ જોતી હતી, અગર જોવાને પ્રયત્ન કરતી હતી. હમણાં હમણાં તેની સાથે વાતો કરતાં, તેને ઘેર મળવા આવવાનો આગ્રહ રાખતા, તેની સાથે હસવાની ઈચ્છા રાખતા, હસ્તધૂનન માટે અત્યંત ઉત્સ્સુક અને એકાંતમાં ભૂલથી ખભે હાથ મૂકી દેતા